March 4, 2025

જામનગરમાં રોગચાળો વકર્યો, છેલ્લા 15 દિવસથી જીજી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો

જામનગર: છેલ્લા કેટલાક સમયથી મિશ્ર ઋતુને કારણે રોગચાળાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. સવારે અને સાંજે ઠંડીનું અનુભવ તથા દિવસ ભર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. વાતાવરણમાં થઈ રહેલા બદલાવને કારણે તેની અસર માનવ જીવન પર પડી રહી છે. છેલ્લા 15 દિવસથી જામનગરની જીજી હોસ્પિટલમાં દર્દીઓનો ખૂબ જ ઘસારો જોવા મળી રહ્યો છે.

ઉનાળો અને ઠંડી બંને ઋતુ ભેગી થતા જ તાવ ઉધરસ કપના દર્દીઓ ખૂબ જ વધી ગયા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં છેલ્લા 15 દિવસથી નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બાળકોના વોર્ડથી લઈને મોટા દર્દીઓના વોર્ડમાં તમામ બેડ ફૂલ થઈ ગયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. જીજી હોસ્પિટલમાં દરરોજના 500થી વધુ દર્દીઓ ઓપીડીમા નોંધાઈ રહ્યા છે. ચિંતાજનક વાત તો એ કહી શકાય કે બાળકોના વિભાગમા પણ દરરોજ 100થી 200 દર્દીઓ આવી રહ્યા છે.