દાહોદના સાંસદે જશ મેળવવા અધૂરા બ્રિજનું લોકાર્પણ કર્યું! બીજા દિવસથી બંધ
ડોડીયાર નીલુ, દાહોદઃ મતદારોને રીઝવવા દાહોદના સાંસદે ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ અધૂરા બ્રિજનું લોકાર્પણ કરી નાંખ્યું છે. ત્યારબાદ બ્રિજને ફરીથી બંધ કરીને કામગીરી ચાલુ કરવામાં આવી છે.
દાહોદ તાલુકાના બોરડી નજીક આવેલા એલસી ગેટ નંબર 48 પર રેલવે ક્રોસિંગ પર કલાકો સુધી વાહનચાલકો અને રાહદારીઓ ફાટક ખૂલવાની રાહ જોતા હતા. પ્રજાને વેડફાટની સાથે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાના કાયમી ધોરણ નિકાલ માટે 48 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા અઢી વર્ષ અગાઉ ઓવરબ્રિજની આધારશિલા મૂકવામાં આવી હતી. જેનું લોકાર્પણ આચારસંહિતાના એક દિવસ પહેલા સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ તેમજ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની ઉપસ્થિતિમાં થયું હતું. લોકોને એવી આશા હતી કે, હવે કલાકોના ટ્રાફિક જામથી લોકો શાંતિ થશે. ઓવરબ્રિજ ચાલુ થવાથી સમયનો બચાવ થશે. પરંતુ તેમની આશા ઠગારી નીવડી હતી અને લોકાર્પણ કર્યાના થોડાક જ કલાકોમાં બેરીકેડિંગ કરી રેલવે ઓવરબ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ આવતીકાલથી નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત, તંત્ર સજ્જ
ઉલ્લેખનીય છે કે, આ રેલવે ઓવરબ્રિજ ચાલુ થવાથી અનાસ, રાછાડા, ટીમરડા, ટાંડા સહિતના ગુજરાતના 40 ગામ તેમજ મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાંથી પસાર થતા લોકો માટે આ બ્રિજ ખૂબ જ ઉપયોગી હતો. પરંતુ લોકાર્પણ થયાના એક મહિના બાદ પણ આ બ્રિજ બંધ છે. કારણ કે, તેનું કામ ચાલી રહ્યું છે. આ અધૂરા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવા પાછળનો હેતુ શું? રાજકીય પંડિતોના જણાવ્યા અનુસાર, આ ફક્તને ફક્ત ચૂંટણીમાં મતદારોને રીઝવવા તેમજ રાજકીય લાભ ખાંટી લેવા માટે એક પ્રોપોગેંડા રચવામાં આવ્યું છે.