May 21, 2024

સુરત મનપાની બિલ્ડિંગ પર વકફનો દાવો, ગુજરાત વકફ ટ્રિબ્યુનલનો મોટો ચુકાદો

surat municipal corporation building claim waqf board tribunal ruled favor municipality

સુરત મહાનગરપાલિકા - ફાઇલ તસવીર

અમિત રુપાપરા, સુરતઃ સુરત મહાનગરપાલિકાની જગ્યા વકફની હોવાનો દાવો સુરતના 72 વર્ષના અબ્દુલ્લાહ જરુલ્લાહ દ્વારા કરવામાં આવ્યો હતો. આ બાબતે વકફ બોર્ડને અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ 5 વર્ષના સમય દરમિયાન અરજદાર અને સુરત મહાનગરપાલિકાની રજૂઆતોને સાંભળી બોર્ડ દ્વારા અરજદારની અરજીને મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક વકફ બોર્ડના નિર્ણયને ગુજરાત વકફ ટ્રિબ્યુનલ સમક્ષ પડકાર્યો હતો. ટ્રિબ્યુનલ દ્વારા તમામ બાબતોની ચકાસણીઓ કરીને સુરત મહાનગરપાલિકા તરફી નિર્ણય આપવામાં આવ્યો છે.

અરજદાર દ્વારા વર્ષ 2015માં સુરત મહાનગરપાલિકાની મિલકત અંગે દાવો કરવામાં આવ્યો હતો. વર્ષ 2021માં તેનો ચુકાદો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની પ્રોપર્ટીને વકફ પ્રોપર્ટી જાહેર કરવામાં આવી હતી. ત્યારે સુરત મહાનગરપાલિકાએ 2021માં વકફ ટ્રીબ્યુનલ ગાંધીનગરમાં અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, વર્ષોથી સુરત મહાનગરપાલિકાનો કબજો આ જમીન પર છે. ત્યારે કોઈએ વાંધો ઉઠાવ્યો નથી અને વકફ વોર્ડ દ્વારા વિચાર કર્યા વગર જ અને SMCના પુરાવાની અવગણના કરી નિર્ણય આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ દાહોદના સાંસદે જશ મેળવવા અધૂરા બ્રિજનું લોકાર્પણ કર્યું! બીજા દિવસથી બંધ

ત્યારે ટ્રીબ્યુનલે તમામ દસ્તાવેજોને ચકાસ્યા હતા અને મિલકત અંગે સુરત મહાનગરપાલિકાએ બ્રિટિશ હૂકુમતમાં સુરત કલેકટરે ઇસ્યૂ કરેલી સનદની નકલ, મિલકત પ્રોપર્ટી કાર્ડમાં સુરત મહાનગરપાલિકાની નોંધ અને તમામ પુરાવા રજૂ કર્યા હતા અને સુરત મહાનગર તરફી રજૂઆત કરવામાં આવી હતી કે, 1995માં વકફ એક્ટ અમલમાં આવ્યો છે અને છતાં વકફ મિલકતની યાદીમાં આ મિલકતને સમાવવામાં આવી નથી અને 21 વર્ષ બાદ અરજી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ આવતીકાલથી નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત, તંત્ર સજ્જ

મહત્વની વાત છે કે, ટ્રિબ્યુનલ દ્વારા બંને પક્ષોની દલીલ સાંભળવામાં આવી છે અને આદેશ કરવામાં આવ્યો છે કે, અબ્દુલ્લાહ દ્વારા મૂળ દસ્તાવેજોની જગ્યા પર તેની ફોટો કોપી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી છે અને અરજદાર આ મિલકતના કોઈ ટ્રસ્ટી નથી. આ ઉપરાંત બોર્ડની સૂચના મુજબ મિલકત કરવા અંગે કોઈપણ અરજી કે વાંધા સંભળાવવા પ્રસિદ્ધ અખબારોમાં અરજદાર દ્વારા કોઈ જાહેરાત આપવામાં આવી નથી. આ ઉપરાંત અરજદાર દ્વારા જે ફોટો કોપી આપવામાં આવી છે તે અવાંચ્ય છે. તમામ પુરાવાઓના આધારે ટ્રિબ્યુનલ દ્વારા સુરત મહાનગરપાલિકા તરફે ચુકાદો આપવામાં આવ્યો છે અને વકફ બોર્ડ દ્વારા આ ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ જ આગામી સમયમાં કોઈ નિર્ણય કરાશે.