May 17, 2024

દાહોદની લોકસભા બેઠકનું સરવૈયું, છેલ્લી બે લોકસભા બેઠકમાં નોટામાં હજારો મત

dahod lok sabha constituency see all details nota get more than 30 thousand

નીલુ ડોડીયાર, દાહોદઃ આદિવાસી બાહુલ્ય ધરાવતી દાહોદ લોકસભા બેઠક ST બેઠક છે. તેમાં દાહોદ જિલ્લાની 6 વિધાનસભા અને એક સંતરામપુર વિધાનસભા આમ કુલ સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લાની 6 બેઠકો પૈકી એક દેવગઢ બારીયા સિવાય બધી જ બેઠકો ST અનામત બેઠકો છે, એટલે કે દાહોદ, લીમખેડા, ગરબાડા, ઝાલોદ, ફતેપુરા બેઠકો ST બેઠકો છે. દેવગઢ બારિયાનો સમાવેશ સામાન્ય બેઠકમાં ગણાય છે. તેથી જ દાહોદ લોકસભા બેઠક પણ અનામત એટલે ST બેઠકમાં થાય છે.

દાહોદ લોકસભા બેઠકના કેટલાક પાસાંઓની વાત કરીએ તો આ બેઠક ભૂતકાળમાં કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. સતત પાંચ ટર્મ એટલે ત્રીસેક વર્ષ સુધી દરેક વાર કોંગ્રેસના પ્રત્યાસી સોમજીભાઈ ડામોર ભારે મતથી વિજય થઈ સાંસદ બનતા હતા.છેલ્લા બે ટર્મની વાત કરીએ તો ભાજપા સતત આ બેઠક પર વર્ચસ્વ બનાવી ચૂકી છે. સતત ભાજપના જશવંત ભાભોર સાંસદ તરીકે અહીથી ચૂંટાય છે. બે ટર્મ પહેલાં એક ટર્મ એટલે 5 વર્ષ કોંગ્રેસ સત્તા પર રહી એના પહેલાની ટર્મ ભાજપની હતી. આમ, સમયાંતરે બેઠક પર સમીકરણો હવે બદલાતા થયા છે.

આ લોકસભા બેઠકના મતદારોની વાત કરીએ તો…

  • 132-દાહોદ વિધાનસભા બેઠક(ST) પર કુલ મતદાતાઓ 281829 પૈકી 139347 પુરુષ અને 142475 મહિલાઓ છે.જેમાં આશરે 45 ટકા ભીલ, 15 ટકા પટેલીયા, 30 ટકા મુસ્લિમ, 10 ટકા અન્ય જેમાં બ્રાહ્મણ,પટેલ,વાણિયા અને અન્ય જાતિઓનો સમાવેશ થાય છે.
  • 133-ગરબાડા વિધાનસભા બેઠક (ST) પર 297192 પૈકી 146224 પુરુષ, 150965 મહિલા મતદાતાઓ છે.જેમાં 50 ટકા ભીલ, 40 ટકા પટેલીયા અને 10 ટકા અન્ય જાતિઓનો સમાવેશ થાય છે.
  • 131-લીમખેડા વિધાનસભા (ST) બેઠક પર 230277 પૈકી 113232 પુરુષ, 117037 મહિલા મતદાતાઓ છે. જેમાં 60 ટકા ભીલ, 30 ટકા કોળી અને 10 ટકા અન્ય જેમાં બ્રાહ્મણ, વાણિયા જેવી જાતિઓનો સમાવેશ થાય છે.
  • 130-ઝાલોદ વિધાનસભા (ST) બેઠક પર 278651 પૈકી 138532 પુરુષ, 140112 મહિલા મતદાતાઓ છે.જેમાં 90 ટકા ભીલ, 10 ટકા અન્ય જેમાં મુસ્લિમ, બ્રાહ્મણ વાણિયા વગેરે જાતિઓનો સમાવેશ થાય છે.
  • 129-ફતેપુરા વિધાનસભા (ST) બેઠક પર 260251 પૈકી પુરુષ 128340 અને 131908 મહિલા મતદાતાઓ છે. જેમાં 90 ટકા ભીલ, 10 ટકા અન્ય જાતિનો સમાવેશ થાય છે.
  • 134-દેવગઢ બારિયા વિધાનસભા (Gen) બેઠક પર 274100 પૈકી 134085 પુરુષ, 140014 મહિલા મતદાતાઓ છે. જેમાં 70 ટકા કોળી, 20 ટકા ભીલ અને10 ટકા અન્ય જેમાં મુસ્લિમ, બ્રાહ્મણ, વાણિયા વગેરેનો સમાવેશ થાય છે.
  • સંતરામપુર બેઠક પર 60 ટકા ભીલ તથા 40 ટકા અન્ય જાતિઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ વિવાદાસ્પદ નિવેદન મામલે પરશોત્તમ રૂપાલાને ક્લિનચીટ, જાણો રિપોર્ટમાં શું ખુલાસો કર્યો

ટૂંકમાં દાહોદ લોકસભા બેઠક પર હાર જીત મોટાભાગે તમામ બેઠક પર આદિવાસી મતો પર આધારિત હોય છે. ફકત દેવગઢ બારિયા અને લીમખેડા બેઠક પર કોળી મતો નિર્ણાયક થતા હોય છે.

દાહોદ લોકસભા વિસ્તારની સમસ્યાની વાત કરીએ તો…

પાણીઃ વિસ્તારમાં પાણીની સમસ્યા સૌથી મોટી કહી શકાય. તે પછી પીવાનું પાણી હોય કે સિંચાઇનું પાણી. મોટાભાગે આ સમસ્યા વિસ્તારના લોકોને વર્ષોથી પ્રભાવિત કરે છે. દાહોદ જિલ્લામાં લોકોનું મુખ્ય વ્યવસાય ખેતીવાડી છે. સિંચાઈ માટે લોકો આજે પણ વરસાદના પાણી પર આધારિત રહે છે. વરસાદના ત્રણ મહિના ખેતીવાડીમાં વ્યસ્ત રહી બાકીના સમયે રોજીરોટીની તલાશમાં અન્યત્ર સ્થળાંતર કરી જતા હોય છે. જિલ્લામાં ઉદ્યોગોના અભાવે રોજગારની તક પણ જોઈએ એટલી હોવાથી પણ રોજગાર માટે પલાયન કરવું પડે છે.

શિક્ષણઃ જિલ્લાનું શિક્ષણ સ્તર પણ ખૂબ સારું ન જ કહી શકાય. બોર્ડનું રિઝલ્ટ પણ આખા રાજ્યમાં સૌથી ઓછું છે. તેની પાછળ પણ કારણ ઉધોગો ન હોવાના પગલે સ્થાનિકોની હિજરત કહી શકાય. રોજીરોટી માટે અન્યત્ર જતા હોવાથી બાળકો નિયમિત શાળાએ જઈ શકતા નથી. તેથી તેમનું ભણતર પ્રભાવિત થતું હોય છે. સ્વાસ્થ્ય પણ મોટી સમસ્યા કહી શકાય. તેની પાછળનું કારણ પણ હીજરત અને શિક્ષા કહી શકાય. આજે પણ અહીંના ગામડાઓમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેના કારણે લોકોમાં જાગૃતતા પણ ઓછી જોવા મળે છે.

આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી

દાહોદ લોકસભા બેઠક

ગત વર્ષનું મતદાન – 10,64,391

દાહોદ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા આવેલી છે

1) ઝાલોદ

2) દાહોદ

3) ફતેપુરા

4) ગરબાડા

5) દેવગઢ બારીયા

6) લીમખેડા

7) સંતરામપુર

ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર વિજય થયા હતા

છેલ્લા 5 વર્ષના ચૂંટણીના પરિણામો

1999ની લોકસભા ચૂંટણી

  • કટારા બાબુભાઈ ખીમા ભાઈ (બીજેપી ઉમેદવાર) 2,32,288 મત
  • સોમજીભાઈ ડામોર (કોંગ્રેસ ઉમેદવાર) 2,19,857 મત
  • ભીમાભાઈ પાંડોર (NCP ઉમેદવાર) 8,612 મત
  • સમસુભાઈ દેવધા (અપક્ષ ઉમેદવાર) 2,745 મત
  • વિજેતા – કટારા બાબુભાઈ ખીમાભાઈ(બીજેપી ઉમેદવાર) 12,431 મતદાનથી વિજેતા

2004ની લોકસભા ચૂંટણી

  • કટારા બાબુભાઈ ખીમાભાઈ (બીજેપી ઉમેદવાર) 2,28,154 મત
  • ડો. પ્રભાબેન કિશોરભાઈ તાવીયાડ (કોંગ્રેસ ઉમેદવાર) 2,27,793
  • સોમજીભાઈ ડામોર (BNP ઉમેદવાર) 45,597
  • સીગ્જીભાઈ કટારા (CPI (M) ઉમેદવાર) 16,301
  • વિજેતા – કટારા બાબુભાઈ ખીમાભાઈ (બીજેપી ઉમેદવાર) 361 મતથી વિજેતા

2009ની લોકસભા ચૂંટણી

  • ડૉ. પ્રભાબેન કિશોરભાઈ તાવીયાડ (કોંગ્રેસ ઉમેદવાર) 2,50,586 મત
  • સોમજીભાઈ ડામોર (બીજેપી ઉમેદવાર) 1,92,050 મત
  • કે સી મુનિયા (SP ઉમેદવાર) 29,700 મત
  • સીગ્જીભાઈ કટારા (CPI (M) ઉમેદવાર) 29,522 મત
  • કલસીંહ ભાઈ મેડા (NCP ઉમેદવાર) 15,057 મત
  • વિજેતા – ડૉ. પ્રભાબેન કિશોરભાઈ તાવીયાડ (કોંગ્રેસ ઉમેદવાર) 58,536 મતથી વિજેતા

2014ની લોકસભા ચૂંટણી

  • જસવંતસિંહ ભાભોર (બીજેપી ઉમેદવાર) 5,11,111 મત
  • ડૉ. પ્રભાબેન કિશોરભાઈ તાવીયાડ (કોંગ્રેસ ઉમેદવાર) 2,80,787 મત
  • સીગ્જીભાઈ કટારા (CPI (M) ઉમેદવાર) 28,958 મત
  • નવલાભાઈ ભુરા (IND ઉમેદવાર) 11,244 મત
  • NOTA – 32,305 મત
  • વિજેતા – જસવંતસિંહ ભાભોર (બીજેપી ઉમેદવાર) 2,30,354 મતથી વિજેતા

2019ની લોકસભા ચૂંટણી

  • જસવંતસિંહ ભાભોર (બીજેપી ઉમેદવાર) 5,61,760 મત
  • કટારા બાબુભાઈ ખીમાભાઈ (કોંગ્રેસ ઉમેદવાર) 4,34,164 મત
  • ધુળાભાઈ ભાભોર (BSP ઉમેદવાર) 11,339 મત
  • સમસુભાઈ દેવધા (IND ઉમેદવાર) 11,142
  • NOTA – 31,936 મત
  • વિજેતા – જસવંતસિંહ ભાભોર (બીજેપી ઉમેદવાર) 1,27,597 મતથી વિજેતા