January 28, 2025

સુરતમાં તાંત્રિક વિધિના નામે પૈસા પડાવતા બે શખ્સની સાયબર ક્રાઇમે કરી ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: સોશિયલ મીડિયા ફેસબુક પર તાંત્રિક શક્તિઓ દ્વારા તમામ મુશ્કેલીનું સમાધાન, તમામ સમસ્યાનું નિરાકરણ અને ઘરમાં સોનું રહેલું હોવાનું તેવી જાહેરાત કરીને અલગ અલગ વિધિના બહાને ફરિયાદી પાસેથી 15 લાખ કરતાં વધારેની રકમ પડાવી લેનાર આરોપીની સુરત સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ક્ષત્રિય સમાજ અને ભાજપ આગેવાનો વચ્ચેની બેઠક નિષ્ફળ

હાલનાં સમયમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સુરતના એક વ્યક્તિને તેની સમસ્યાઓના નિરાકરણ માટે અને ઘરમાં સોનુ હોવાનું જણાવીને અલગ અલગ વિધિ કરવાના બહાને લાખો રૂપિયા ઠગ તાંત્રિકે પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજસ્થાનથી જ્યોતિષ સહિત 2 આરોપીની ધરપકડ કરી છે.

સુરત સાઇબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર આરોપીઓએ સોશિયલ મીડિયા ફેસબુક એકાઉન્ટ પર તાંત્રિક વિધિથી તમામ મુશ્કેલીઓનું સમાધાન થશે તેવી એક પોસ્ટ અપલોડ કરી હતી. આ પોસ્ટની નીચે મોબાઈલ નંબર મૂક્યો હતો. પોસ્ટ જોયા બાદ ફરિયાદીએ આ મોબાઈલ નંબર પર પોતાની સમસ્યાના નિરાકરણ માટે ફોન કર્યો હતો ત્યારે આરોપીઓએ ફરિયાદીની સમસ્યાનું નિરાકરણ કરી આપવાનું કહી અને ફરિયાદીના ઘરમાં મોટા પ્રમાણમાં સોનુ છે તેવું કહી અને ખરાબ આત્માનો વાસ ફરિયાદીના ઘરમાં છે તેવું જણાવીને વિધિના નામે પૈસા પડાવ્યા હતા.

ઓક્ટોબર 2022થી 18 મે 2023 દરમિયાન આરોપીઓએ અલગ અલગ મોબાઈલ નંબર પરથી ફરિયાદી સાથે વાત કરી હતી અને ફરિયાદી પાસેથી અલગ અલગ UPIમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઉપરાંત ફરિયાદી પાસેથી દાગીના પણ મેળવ્યા હતા. આમ કુલ 15,51,000ની છેતરપિંડી ફરિયાદી સાથે કરી હતી ત્યારબાદ ફરિયાદીને પોતે છેતરાયો હોવાની જાણ થઈ અને તેમને આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો.

સાયબર ક્રાઇમ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન રાજસ્થાનથી મુનેશકુમાર ભાર્ગવ અને મનોજ ભાર્ગવની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વની વાત છે કે મનોજ ભાર્ગવ મજૂરી કરે છે અને મુનેશકુમાર ભાર્ગવ જ્યોતિષ તરીકે કામ કરે છે. હાલ તો આ બંનેની ધરપકડ સુરત સાયબર ક્રાઈમ દ્વારા કરવામાં આવી છે અને તેમની પૂછપરછે કરવામાં આવશે કે અત્યાર સુધીમાં તેમને આ પ્રકારે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે.