“ઠેકા કોફી”ના માલિકોને ધમકી આપનાર ગોવાથી ઝડપાયો
અમદાવાદ: છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ સહિત દેશભરમાં અનેક નાનામોટા સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા છે. ઘણા સફળ પણ થાય છે, ત્યારે અમદાવાદના આવા જ એક સ્ટાર્ટઅપ ઠેકા કોફી’ ખાસ્સું ચર્ચામાં છે, ચર્ચામાં રહેવાનું કારણ તેના માલિકને મળી રહેલી ધમકીઓ પણ હતી. જોકે, ક્રાઈમ બ્રાન્ચે સ્ટાર્ટઅપ “ઠેકા કોફી”ના માલિકોને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આખરે ઝડપાઇ ગયો છે. મહત્વનું છે કે થેકા કોફી બ્રાન્ડ જાણીતા ટીવી શો ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’થી જાણીતી થઈ હતી.
મળતી માહિતી મુજબ, અમદાવાદના સ્ટાર્ટઅપ “ઠેકા કોફી”ના માલિકોને જાનથી મારી નાખવાની ધમકી આપનાર મુખ્ય આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગોવાથી ધરપકડ કરી લેવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે કોફી કંપની તરફથી કોન્ટ્રાક્ટ ન મળવાને કારણે આરોપી દ્વારા ધમકી આપવામાં આવી રહી હતી. આરોપી પોતાની ઓળખ છુપાવતો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યો હતો. જોકે, આખરે તેનો ભાંડો ફૂટી ગયો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગોવાથી તેની ધરપકડ કરી લીધી છે.
ક્રાઇમ બ્રાન્ચે કરી અપીલ
વધુમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જનતાને જાહેર અપીલ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે કહ્યું છે કે સતામણીનો સામનો કરી રહેલા આવા તમામ યુવા સ્ટાર્ટ-અપ્સ આગળ આવે અને અમારી સાથે માહિતી શેર કરે.