May 4, 2024

લિક્વિડ ફોર્મમાં સોનાની દાણચોરી કરતા 5 લોકોની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: દુબઈથી સસ્તા ભાવે સોનુ ખરીદી લિક્વિડ ફોર્મમાં ટ્રાન્સફર કરી સોનાની દાણચોરીનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાંચે કેરિયર સહિત 5 લોકોની ધરપકડ કરી છે. દુબઈ શારજાહથી 800 ગ્રામ સોનું લઇને અમદાવાદ પહોંચેલા આશિષ કુકડિયાની પોલીસે ધરપકડ કરી છે. સાથે સાથે સોનું મંગાવનાર અનંત શાહ અને તેના ત્રણ વોચરની પણ ધરપકડ કરવામા આવી છે. ક્રાઈમ બ્રાન્ચ કુલ 48 લાખ 88 હજારના સોના સહિત કુલ 52,26,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સોનાની દાણચોરી મામલે સોની વેપારી અનંત શાહ, સોનાના કેરિયર તરીકે કામ કરનારા આશિષ કુકડીયા, વોચર કલ્યાણભાઈ પટેલ, નવઘણભાઈ ઠાકોર અને નિલેશ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: હવે અમદાવાદમાં ગુનેગારો પોલીસની નજરથી સહેજ પણ બચી શકશે નહીં

સોનાની દાણચોરી કેરિયર આશિષ કુકડીયાની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે પોતે મૂળ જુનાગઢનો રહેવાસી અને મિસ્ત્રી કામ કરે છે. આશિષ કુકડીયા દુબઈના રામજીભાઈ નામના સપ્લાયરના સંપર્કમાં આવ્યા હતા અને વેપારી અનંત શાહના કહેવાથી કેરિયર તરીકે કામ કરવા જણાવ્યું હતું. એરપોર્ટ બહાર સોનુ લઈને આવતા જ પોલીસે તેને ઝડપી લીધો છે. જ્યારે અનંત શાહને પૂછપરછમાં સામે આવ્યું કે તેણે અગાઉ 10 થી 15 વખત દુબઈ સોનું લેવા માટે કેરિયર તરીકે અલગ અલગ માણસો મોકલ્યો હતા. ઉપરાંત જ્યારે કેરિયર સોનુ લઈને આવે ત્યારે તેની સાથે ત્રણથી ચાર માણસો રાખતો હતો. જેથી કેરિયર સોનુ લઈને ભાગી ન જાય અથવા તો એરપોર્ટ પર કસ્ટમ, પોલીસ કે અન્ય કોઈ એજન્સીઓ તેને પકડી ન લે તેનું ધ્યાન રાખવા વોચમાં રાખતો હતો. પોલીસે અનંત શાહના ભાડુઆતી માણસો તરીકે રાખેલા કલ્યાણ પટેલ, નવઘણ ઠાકોર અને નિલેશ દેસાઈની પણ ધરપકડ કરી છે. અનંત શાહ આ માણસોને 5000 રૂપિયા આપી એરપોર્ટ પર વોચ રાખવા માટે સાથે લઈ આવતો હોવાનો ખુલાસો પણ થયો છે.

આ પણ વાંચો: ‘અમે પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું’, રાજનાથ સિંહે આપી ચેતવણી

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે દુબઈ બેઠેલા રામજીભાઈ નામનો વ્યક્તિ કેરિયરને કેમિકલયુક્ત પેસ્ટ અને પાઉડરના સ્વરૂપમાં સોનું આપતો હતો. કેમિકલયુક્ત પેસ્ટ કે પાઉડર સ્વરૂપ આવેલું સોનું એરપોર્ટ કે અન્ય કોઈ જગ્યા પર ડિટેક્ટ થતું નથી. જેના કારણે તેને મેડિકલના ઉપયોગમાં લેવાતી સર્જિકલ ટેપમાં વીંટાળી આંતરવસ્ત્રોમાં છુપાવી સોનાની દાણચોરી કરવામાં આવતી હતી. હાલ પોલીસએ વાતની તપાસ કરી રહી છે કે આરોપીઓની સાથે કસ્ટમના કોઈ અધિકારીની મિલી ભગત છે કે કેમ. અને આ અગાઉ કેટલી વખત સોનાની દાણચોરી કરવામાં આવી છે જેને લઇ તપાસ શરૂ કરી છે.