May 18, 2024

આચાર્ય પ્રમોદ કૃષ્ણમ 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

congress suspend acharya pramod krishnam for 6 years

આચાર્ય પ્રમોદ કૃષ્ણમ - ફાઇલ તસવીર

નવી દિલ્હીઃ કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા છે. પાર્ટી વિરુદ્ધમાં વારંવાર નિવેદનો આપવા અને અન્ય ફરિયાદોને ધ્યાને રાખી કોંગ્રેસ અધ્યક્ષે પ્રમોદ કૃષ્ણમને તાત્કાલિક ધોરણે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા માટે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીને મંજૂરી આપી દીધી છે.

તેમનું કહેવુ હતુ કે, પાર્ટીમાં કેટલાક નેતાઓની વામપંથી વિચારધારા છે, જે કોંગ્રેસને બરબાદ કરે છે. અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રણ ન સ્વીકારવા મામલે પણ તેમણે પાર્ટીના નેતાઓની ટીકા કરી હતી. તેમનું કહેવું હતું કે, ગાંધી પરિવારે રામલલ્લાના દર્શન કરવા જોઈએ . ભગવાન સૌના છે. મંદિરના નિર્માણ માટેનો શ્રેય પણ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો છે.

તેમણે કહ્યુ હતુ કે, મોદીજીના કારણે મંદિર બની શક્યું છે. આચાર્યએ ત્રણ દિવસ પહેલાં રાહુલ ગાંધીને મળવા માટે સમય ન આપ્યો હોવાનું પણ કહ્યુ હતુ. વડાપ્રધાનને મળવાનો સમય ત્રણ-ચાર દિવસમાં મળી ગયો હતો. પરંતુ રાહુલ ગાંધીને મહિનાઓ પછી પણ મળવાનું શક્ય બન્યું નહોતું.

આચાર્ય પ્રમોદ કૃષ્ણમે વિદ્યાર્થીકાળથી જ કોંગ્રેસમાં રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. અલગ અલગ પદ પર રહેવા સિવાય તેઓ ઘણીવાર પાર્ટીના મહાસચિવ બન્યા હતા. કોંગ્રેસની પોલિટિકલ અફેયર્સ કમિટીના સભ્ય બન્યા હતા. 2018માં પાર્ટી તરફથી રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ તેમજ પંજાબની સામાન્ય ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે જવાબદારી મળી હતી. 2014માં સંભલ સંસદીય સીટ અને 2019માં લખનૌથી પાર્ટી માટે ચૂંટણી લડ્યા હતા.

છેલ્લા ઘણાં દિવસથી પ્રમોદ કૃષ્ણમે કોંગ્રેસ પર ઘણાં પ્રહારો કર્યા હતા. તેમણે ત્યાં સુધી કહ્યુ હતુ કે, કોંગ્રેસના કેટલાક મોટા નેતા એવા છે કે જેમને હિંદુ શબ્દથી જ નફરત છે. તેમણે ત્યાં સુધી કહ્યુ કે, કોંગ્રેસી નેતાઓને રામ મંદિર જ નહીં, ભગવાનથી પણ નફરત છે. રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ ન થવાના નિર્ણયની પણ પ્રમોદ કૃષ્ણમે ટીકા કરી હતી. તેમણે કહ્યુ કે, રામ મંદિર ન બને તે માટે ઘણાં પ્રયત્નો થયા હતા. પ્રમોદ કૃષ્ણમે સચિન પાયલટના ઘણાં વિશ્વાસુ માનવામાં આવતા હતા. અશોક ગેહલોત મુખ્યમંત્રી બનતા તેમની સામે સરાજાહેરમાં વિરોધ કર્યો હતો.