January 24, 2025

જેલમાંથી બહાર આવ્યા બાદ હેમંત સોરેને કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો

Hemant Soren Got Bail: ઝારખંડ હાઈકોર્ટે જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને જામીન આપ્યા છે. આજે હેમંત સોરેન પાંચ મહિના બાદ બિસા મુંડા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ સીએમ હેમંત સોરેનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. જેલમાંથી મુક્ત થયા બાદ ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેને કહ્યું કે, મારા પર ખોટા આરોપો લગાવીને જેલમાં બંધ કરવામાં આવ્યો હતો. લોકોનો અવાજ દબાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. કોર્ટે તેનો ન્યાય આપ્યો છે, તેમના કારણે જ આજે હું બહાર આવ્યો છું.

હેમંત સોરેને વધુમાં કહ્યું કે, “ન્યાયની પ્રક્રિયા ઘણી લાંબી થઈ ગઈ છે. આજે દેશમાં રાજકારણીઓ, પત્રકારો અને સામાન્ય લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રીને પણ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. અમે જે લડત અને નિર્ણય લીધો છે તે અમે ચોક્કસપણે પૂર્ણ કરીશું. આજે એક સંદેશ છે કે કેવી રીતે અમારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું અને અમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.” આ સિવાય હેમંત સોરેને પત્રકારોને કહ્યું કે તમે બધાએ ન્યાયતંત્રના આદેશની સમીક્ષા કરો અને તેને દેશની જનતા સુધી પહોંચાડો.

અગાઉ, હેમંત સોરેન જેલમાંથી બહાર આવતાની સાથે જ મોટી સંખ્યામાં જેએમએમ સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા. આ સાથે તેમની પત્ની અને JMM ધારાસભ્ય કલ્પના સોરેને ન્યાયતંત્ર અને લોકોના સમર્થન બદલ આભાર માન્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે આજનો દિવસ ભાવનાત્મક દિવસ છે. જેલમાંથી મુક્ત થયા પછી, સોરેન લોકોને હાથ હલાવીને તેમના પિતા અને જેએમએમના સુપ્રીમો શિબુ સોરેન પાસેથી આશીર્વાદ લેતા જોવા મળ્યા હતા. આ પહેલા જસ્ટિસ રોંગન મુખોપાધ્યાયની સિંગલ બેંચે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રીને જામીન આપ્યા હતા.