November 22, 2024

CM હિમંતાએ DGPને રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવા નિર્દેશ આપ્યો, ટોળાને ઉશ્કેરવાનો આરોપ

CM - NEWSCAPITAL

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા આસામના ગુવાહાટી પહોંચી છે. દરમિયાન આજે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આસામ પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. મળતી માહિતી મુજબ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને શહેરમાં યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી, જેના કારણે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અથડામણ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી અને આસામના ડીજીપીને સૂચનાઓ આપી છે.

હિમંતા બિસ્વા સરમાએ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું કે, આ આસામી સંસ્કૃતિનો ભાગ નથી. અમે શાંતિપૂર્ણ રાજ્ય છીએ. આવી “નકસલવાદી યુક્તિઓ” આપણી સંસ્કૃતિ માટે સંપૂર્ણપણે પારકું છે. મેં આસામ પોલીસના ડીજીપીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ટોળાને ઉશ્કેરવા બદલ કેસ નોંધવા અને તેમના હેન્ડલ પર મુકેલા ફૂટેજનો પુરાવા તરીકે ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો : ભારત જોડો ન્યાય યાત્રા : કોંગ્રેસના કાર્યકરોએ હંગામો મચાવ્યો, બેરિકેડ તોડી નાખ્યા

રાહુલ ગાંધીના આક્ષેપો

આસામ-મેઘાલય બોર્ડર પર રાહુલ ગાંધીએ ટ્રાવેલ બસની ઉપરથી વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને સંબોધતા કહ્યું હતું કે, હું તમારી યુનિવર્સિટીમાં આવીને તમારી સાથે વાત કરવા માગતો હતો, તમને સાંભળવા માગતો હતો. પરંતુ થયું એવું કે ભારતના ગૃહ પ્રધાને આસામના મુખ્ય પ્રધાનને ફોન કર્યો અને પછી CMOએ યુનિવર્સિટીને બોલાવીને કહ્યું કે રાહુલ ગાંધીને વિદ્યાર્થીઓ સાથે વાત કરવા દેવી જોઈએ નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે, રાહુલ ગાંધી આવે છે કે નહીં તે મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમને કોઈને પણ સાંભળવાની છૂટ છે. તમને તમારું જીવન તમે ઇચ્છો તે રીતે જીવવાની છૂટ આપવી જોઈએ, અન્ય કોઈ ઈચ્છે તે રીતે નહીં. ભાજપ પર પ્રહાર કરતા ગાંધીએ કહ્યું કે, તેઓ તમને ગુલામ બનાવવા માંગે છે, પરંતુ હું તમને જાણું છું કે બ્રહ્માંડની કોઈ શક્તિ આ કરી શકે નહીં. તેમણે એમ પણ કહ્યું કે આ માત્ર આસામમાં જ નહીં પરંતુ ભારતની દરેક શાળા, કોલેજ, યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે.