December 24, 2024

CM અરવિંદ કેજરીવાલની ધરપકડ, પૂછપરછ બાદ EDની કાર્યવાહી

Arvind Kejriwal Arrested: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સીએમ આવાસ પર પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આતિશીએ કહ્યું કે ED બે વર્ષમાં એક રૂપિયો પણ રિકવર કરી શકી નથી. ઘરપકડ બાદ EDની ટીમ સીએમ કેજરીવાલને પોતાની સાથે લઈ ગઈ હતી. ધરપકડ બાદ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને તેનું મેડિકલ કરવામાં આવશે.

ED ઓફિસ તરફ જતો રસ્તો સીલ કરાયો
ઈડી ઓફિસ તરફ જતો રસ્તો સીલ કરી દેવામાં આવ્યો છે. ED ઓફિસની અંદર પણ હલચલ જોવા મળી રહી છે. પાર્ટીના નેતાઓ ધરપકડનો ભય વ્યક્ત કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ED ઓફિસ બાદ દિલ્હીમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. કાર્યકર્તાઓ મુખ્યમંત્રીના ઘરની બહાર રસ્તા પર ઉભા છે. CRPFની ટીમ ED ઓફિસના બેક ગેટ પર પહોંચી ગઈ છે. માહિતી અનુસાર, CRPF ફોર્સને તૈનાત કરવામાં આવી છે જેથી પ્રદર્શનકારીઓ ED ઓફિસ સુધી પહોંચી ન શકે.

ધરપકડ બાદ પણ CM રાજીનામું નહીં આપે: વિધાનસભા અધ્યક્ષ
દિલ્હી વિધાનસભાના સ્પીકર રામ નિવાસ ગોયલે સ્પષ્ટ કર્યું કે જો સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવે તો પણ તેઓ રાજીનામું નહીં આપે. સૂત્રોના જણાવ્યા અનુસાર EDની ટીમે ઈલેક્ટ્રોનિક ગેજેટનો ડેટા કોપી કર્યો છે. સીએમ કેજરીવાલને કવિતા સાથે જોડાયેલા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા છે. સીએમ આવાસની બહાર પાર્ટીના કાર્યકરો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

આરએમએલ હોસ્પિટલની ટીમ મેડિકલ તપાસ કરશે
ધરપકડ બાદ સીએમ કેજરીવાલનું મેડિકલ ઈડી હેડક્વાર્ટરમાં કરવામાં આવશે. તેને 22 માર્ચે પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાં હાજર થતા પહેલા જ સીએમ કેજરીવાલની મેડિકલ તપાસ કરવામાં આવશે. આરએમએલ હોસ્પિટલની ટીમ ઈડી ઓફિસમાં આવીને મેડિકલ તપાસ કરશે.

બે કલાક કરી પૂછપરછ
EDની ટીમ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી છે. EDની ટીમના લગભગ અડધો ડઝન લોકો મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી ગયા છે. ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ન્યાયમૂર્તિ સુરેશ કુમાર કૈત અને મનોજ જૈનની બેન્ચે 22 એપ્રિલે વધુ વિચારણા માટે રક્ષણની માંગ કરતી અરજીને સૂચિબદ્ધ કરી છે. સમન્સને પડકારતી તેમની મુખ્ય અરજી પર પણ તે જ દિવસે (22 એપ્રિલ) સુનાવણી થશે.

બેન્ચે કહ્યું, ‘અમે બંને પક્ષોને સાંભળ્યા છે અને અમે આ તબક્કે (સંરક્ષણ આપવા માટે) ઇચ્છુક નથી. પ્રતિવાદી જવાબ દાખલ કરવા માટે સ્વતંત્ર છે. વચગાળાની રાહત માટેની અરજી કેજરીવાલની અરજીનો એક ભાગ છે જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમને પૂછપરછ માટે જારી કરાયેલા સમન્સને પડકારવામાં આવ્યો હતો. કેજરીવાલે ED દ્વારા જારી કરાયેલા નવમા સમન્સને ધ્યાનમાં રાખીને કોર્ટમાં અરજી કરી છે. નવમા સમન્સમાં કેજરીવાલને ગુરુવારે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

સીઆરપીએફની ટીમ પણ આવી પહોંચી હતી
દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ સીએમ કેજરીવાલના ઘરે પહોંચી ગયા છે. સીઆરપીએફની ટીમ પણ પહોંચી ગઈ છે. રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

‘હાજર થવાનો સમય પુરો થઇ ગયો છે, તે હાજર રહેતા નથી’
સુનાવણી દરમિયાન કેજરીવાલના વરિષ્ઠ વકીલે આજ માટે જારી કરાયેલા સમન્સને મોકૂફ રાખવાની વિનંતી કરી હતી. ED તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુએ જણાવ્યું હતું કે, ‘હાજર થવાનો સમય પુરો થઇ ગયો છે, તે હાજર રહેતા નથી.’ બીજી બાજુ કેજરીવાલે સમન્સને ગેરકાયદે ગણાવીને હાજર થવાનો વારંવાર ઇનકાર કર્યો છે.

કપિલ રાજ ટીમ લીડ કરી રહ્યા છે
સંયુક્ત નિયામક સ્તરના અધિકારી, જે એક્સાઇઝ પોલિસી કેસના તપાસ અધિકારી પણ છે, તેમની ટીમ સાથે સીએમ કેજરીવાલના ઘરે હાજર છે. કપિલ રાજ જોઈન્ટ ડાયરેક્ટર ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. માહિતી અનુસાર સીએમ કેજરીવાલને તેમનો ફોન જમા કરાવવા માટે કહેવામાં આવ્યું, ત્યારબાદ તેમણે ફોન જમા કરાવી દીધો. ઘરમાં ડીજીટલ ગેજેટ્સ અંગે પુછપરછ કરવામાં આવી કે ઘરમાં કયા ડીજીટલ ગેજેટનો ઉપયોગ થાય છે.

સીએમ હાઉસ પાસે ફોનની સુવિધા નથી: સૌરભ ભારદ્વાજ
દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે ED સીએમ કેજરીવાલના ઘરની અંદર તપાસ કરી રહી છે. હવે સીએમ હાઉસમાં કોઈને ફોનની સુવિધા નથી અને પોલીસ ફોર્સ પણ આવી પહોંચી છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

બીજી ટીમ સીએમ આવાસ પર પહોંચી
દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે સમન્સ આપવું એ એક બહાનું છે. ED અધિકારીઓની બીજી ટીમ સીએમ આવાસ પર પહોંચી ગઈ છે. તેણે કહ્યું કે આ એક પ્રકારનો અત્યાચાર છે. પાર્ટીને કચડી નાખવા માટે સમગ્ર કેન્દ્ર સરકારે પોતાની તમામ શક્તિનો ઉપયોગ કર્યો છે. કેજરીવાલની ધરપકડ થઈ શકે પણ વિચારસરણીની ધરપકડ થઈ શકે નહીં.

કોઈ એક વાળ પણ વાંકો નહીં કરી શકે: રાઘવ ચઢ્ઢા
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ જીની ધરપકડ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. કેજરીવાલ જી પર કરોડો લોકોના આશીર્વાદ છે, કોઈ એક વાળ પણ વાંકો નહીં કરી શકે. દિલ્હી અને પંજાબમાં થયેલા અદ્ભુત કાર્યોની આજે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. તમે કેજરીવાલના શરીરની ધરપકડ કરી શકો છો પરંતુ કેજરીવાલની વિચારસરણીની નહીં.