January 14, 2025

ચીનની વધુ એક ચાલાકી, લદાખ નજીક LAC પાસે બનાવી 6 હેલીસ્ટ્રિપ

China Heli Strip on LAC: ચીને ફરી એકવાર સરહદ પર ચાલાકી અને ષડયંત્ર શરૂ કર્યું છે. ચીની સેનાએ લદ્દાખની સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર છ નવી હેલિસ્ટ્રીપ બનાવી છે. આ વાતનો ખુલાસો સેટેલાઇટ તસવીરો દ્વારા થયો છે. જ્યાં હેલિસ્ટ્રીપ બનાવવામાં આવી છે તે જગ્યા પશ્ચિમ તિબેટમાં આવેલી છે. લદ્દાખના ડેમચોકથી આ હેલિસ્ટ્રીપ્સનું અંતર 100 માઈલ છે, જેના કારણે ખતરો ખાસ્સો વધી જાય છે. હાલમાં આ મુદ્દે ભારત સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ગેયાયી નામના સ્થળે હેલી પટ્ટી બનાવવામાં આવી છે. અહીં બાંધકામનું કામ હજુ પૂર્ણ થયું નથી. હેલીસ્ટ્રિપનું બાંધકામ એપ્રિલ 2024માં શરૂ થયું હતું. તસવીરો દર્શાવે છે કે અહીં છ હેલિસ્ટ્રીપ તૈયાર કરવામાં આવી રહી છે. મતલબ કે માત્ર 1 કે 2 હેલિકોપ્ટર નહીં, પરંતુ અડધો ડઝનથી ડઝન હેલિકોપ્ટર એક સાથે અહીં તૈનાત થઈ શકે છે. આ સ્થળ લદ્દાખના ડેમચોકથી માત્ર 100 માઈલ અને ઉત્તરાખંડના બારાહોતીથી 120 માઈલ દૂર છે. ડેમચોક ભારત અને ચીનની સેનાઓ વચ્ચે સંઘર્ષનું ક્ષેત્ર છે.

ચીનની સેના ઘણીવાર હેલિપેડ અથવા એલએસી નજીક બાંધકામ કરતી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે આ વિસ્તારમાં ઘણા રસ્તાઓ પણ બનાવ્યા છે. ભારતે લદ્દાખને અડીને આવેલા ચીની ભાગ પર પણ પોતાની દેખરેખ વધારી દીધી છે. એટલું જ નહીં પરંતુ 2020માં ગાલવાન ઘાટીમાં થયેલી અથડામણ બાદ ભારતે અહીં સૈનિકોની તૈનાતી પણ વધારી દીધી છે. તો, રસ્તાઓનું મજબૂત નેટવર્ક પાથરવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે, જેથી ચીન સામે કાર્યવાહી કરી શકાય. ભારતે અહીં ઘણા આધુનિક શસ્ત્રો પણ તૈનાત કર્યા છે.