May 19, 2024

આર્થિક સુધારા-મોટા બદલાવમાં બાબાસાહેબના વિચારોનો ખૂબ મોટો ફાળોઃ CM

Chief Minister bhupendra patel present at anusuchit jati sahkari maha adhivesan

ભૂપેન્દ્ર પટેલ અનુસૂચિત જાતિના સહકારી મહાઅધિવેશનમાં હાજર રહ્યા હતા.

મલ્હાર વોરા, ગાંધીનગરઃ શહેરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ અનૂસુચિત જાતિ સહકારી મહાઅધિવેશન યોજાયું હતું. જો કે, આ કાર્યકમમાં સહકાર વિભાગના મંત્રી જગદીશ પંચાલ સહિત અનૂસુચિત જાતિના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ કાર્યકમમાં રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી ગેરહાજર રહ્યા હતા.

ગાંધીનગરમાં ડૉ. બીઆર આંબેડકર કો-ઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટીસ ફેડરેશનના મહાઅધિવેશનમાં રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, અનૂસુચિત જાતિના સહકારથી મેળવેલી સમૃદ્ધિ સમાનતા લાવશે. બંધુતાનું પોષણ કરશે અને સામાજિક ન્યાય કાયમ કરશે. ડૉ. બીઆર આંબેડકરે આપેલા સમાન બંધુતા અને સામાજિક ન્યાયના લક્ષ્યને સાધવા માટે સહકાર મોટું ચાલક બળ બની શકે છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ‘સારું કામ કરનારા લોકોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર તત્પર છે. અનુસૂચિત જાતિની સહકારી મંડળીઓનું ફેડરેશન નાનામાં નાના વ્યક્તિને અને ખાસ કરીને બહેનો માટે લાભકારી રહ્યું છે. બેન્કિંગ, મિલ્ક પ્રોડક્શન, સુગર અને કોટન સેક્ટરમાં કો-ઓપરેટિવ મોડલ અપનાવી ગુજરાત સફળ થયું છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં દેશમાં પ્રથમવાર અલાયદુ સહકાર મંત્રાલય કાર્યરત થયું છે. ભારતમાં આઝાદી પહેલાં જે આર્થિક સુધારા અને મોટા બદલાવ આવ્યા તેમાં બાબાસાહેબના વિચારોનો ખૂબ મોટો ફાળો છે. બ્રિટિશ હુકુમતમાં ભારતની આર્થિક સ્થિતિ અને સમસ્યાઓને બાબા સાહેબ વિશેષ રીતે સમજી શક્યા હતા.’

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યુ હતુ કે, ‘એક સમય હતો જ્યારે વંચિત વર્ગના નાના માણસને બેંક જલ્દી લોન આપતી ન હતી, નાના માણસનું જામીન પણ કોઈ થાય નહીં. પરંતુ હવે સમય બદલાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામાન્ય, ગરીબ વર્ગના લોકોના જામીન બન્યાં અને નાના માણસને લોનની ગેરંટી તેમણે આપી છે. મુદ્રા લોન અને સ્વનિધી યોજનાના માધ્યમથી નાના વ્યાપારીઓ, શેરી-ફેરીયાઓને લોન મળતી થઈ છે. તેમના હાથમાં પૈસો આવ્યો છે અને તેમના ધંધા રોજગાર ફૂલી ફાલી, આત્મનિર્ભર બન્યા છે.’