સુરત જમીન કૌભાંડમાં સંડોવાયેલ આયુષ ઓકને પાટણ મુકાતા ચાણસ્મા MALનો વિરોધ
ભાવેશ ભોજક, પાટણ: સુરતમાં 2000 કરોડના જમીન કૌભાંડના ગુનામાં સંડોવાયેલ આઇ.એ.એસ. અધિકારી આયુષ ઓકને સજાના ભાગરુપે પાટણ ખાતે મુકવામાં આવતા ચાણસ્માના કોંગ્રેસના ધારાસભ્ય દિનેશભાઇ ઠાકોરે વિરોધ નોંધાવ્યો છે અને રાજયના મુખ્યમંત્રીને પત્ર લખી આ અધિકારીની અન્ય જગ્યાએ બદલી કરવામાં નહીં આવે તો જિલ્લાની પ્રજાને સાથે રાખી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે મુખ્યમંત્રીને લખેલ પત્રમા જણાવ્યું છે કે, પાટણ જીલ્લામાં જે પણ સરકારી અધિકારી આવે અને ફરજ બજાવે જે પ્રામાણિક અને નિષ્પક્ષ તટસ્થ પણે પાટણ જીલ્લાની પ્રજાના પ્રશ્નોને ઈમાનદારીપૂર્વક વાંચા આપી શકે એવા હોવા જોઈએ. તેમ જણાવી સુરત જીલ્લામાં 2000 કરોડ રૂપિયાની જમીન કોભાંડમાં જેમનું નામ સામે આવી રહ્યું છે તેવા વિવાદિત અને ભ્રષ્ટાચારના આરોપથી ઘેરાયેલા આઈ.એ.એસ. અધિકારી આયુષ ઓકની પાટણ ખાતે બદલી થઈ હોવાના સમાચાર જાણી ખૂબ દુખ સાથે ચિંતા અનુભવું છું.
આ પણ વાંચો: જૈન સંઘ સાથે શ્વાન પણ જોડાયુ, સાધ્વીજીઓ જે આરોગે એ જ ખાય!
વધુમાં તેમણે લખ્યું, હાલમાં પાટણ ખાતે અધિકારીને હેડકવાટર ખાતે લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. આવા અધિકારી પાટણની જનતાને ઈમાનદારીપૂર્વક ન્યાય ન આપી શકે તેવો અમને સંદેહ હોઈ આવા વિવાદિત અને ગંભીર આરોપથી ઘેરાયેલ અધિકારીને પાટણ જીલ્લામાં કોઈ પણ જગ્યાએ ફરજ પર ન મૂકવા તેમજ આ અધિકારીની અન્ય જગ્યાએ બદલી કરવા એક ધારાસભ્ય તરીકેની લાગણી સાથે પ્રજા હિતમાં માંગ છે. જો માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનાર દિવસમાં પાટણ જીલ્લાની જનતા સાથે રહી વિરોધ પ્રદર્શન કરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.