December 19, 2024

ઝારખંડ વિધાનસભામાં ચંપાઈ સોરેને વિશ્વાસ મત જીત્યો, 29 મત વિરોધમાં પડ્યા

રાંચી: ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન સોરેને સોમવારે વિધાનસભામાં બહુમતી મેળવી છે. વિધાનસભાના વિશેષ સત્રમાં સીએમ ચંપાઈ સોરેને ગૃહમાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 82 સભ્યોની વિધાનસભામાં ગાંડેયા વિધાનસભા બેઠક JMMના ધારાસભ્ય સરફરાઝ અહેમદના રાજીનામાને કારણે ખાલી છે. બીજી બાજુ જેએમએમના રામદાસ સોરેન અને ભાજપના ઈન્દ્રજીત મહતો વિધાનસભામાં પહોંચ્યા ન હતા. ઘાટશિલાના JMM ધારાસભ્ય રામદાસ સોરેન કિડનીની સમસ્યાને કારણે દિલ્હીની હોસ્પિટલમાં દાખલ છે. ભાજપના ધારાસભ્ય ઈન્દ્રજીત મહતોની લાંબા સમયથી હૈદરાબાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સોરેનને વિશ્વાસ મત પ્રસ્તાવની તરફેણમાં 47 વોટ મળ્યા, જ્યારે તેની વિરુદ્ધમાં 29 વોટ મળ્યા હતા.

આ પણ વાંચો : Hemant Soren: હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો

હેમંત સોરેન કાવતરામાં ફસાવ્યા
વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કરતી વખતે સીએમ ચંપાઈ સોરેને કહ્યું કે હેમંત સોરેનને ફસાવવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે EDએ હેમંત સોરેનની એક એવા કેસમાં ધરપકડ કરી છે જેમાં એકાઉન્ટ બુક નથી. બીજી બાજુ EDએ ભાજપના ધારાસભ્ય ભાનુ પ્રતાપ શાહીની 7 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ છે : હેમંત સોરેન
મુખ્યમંત્રી ચંપાઈ સોરેન બાદ પૂર્વ સીએમ હેમંત સોરેને ગૃહમાં પોતાના વિચારો રજૂ કરતા ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. 31 જાન્યુઆરીની રાતને કાળી રાત ગણાવતા તેમણે કહ્યું કે દેશના લોકતાંત્રિક ઈતિહાસમાં આ એક કાળો અધ્યાય બની ગયો છે. તેમણે કહ્યું કે 31 જાન્યુઆરીની રાત્રે દેશમાં પહેલીવાર કોઈ સીએમ કે પૂર્વ સીએમ અથવા કોઈ વ્યક્તિની રાજભવનમાં ધરપકડ કરવામાં આવી હતી. હેમંત સોરેને આરોપ લગાવ્યો કે તેમની ધરપકડમાં રાજભવન પણ સામેલ હતું. બીજી બાજુ હેમંત સોરેનએ કહ્યું કે જો આરોપ સાબિત થશે તો રાજકારણમાંથી નિવૃત્તિ લઈશ. હેમંત સોરેને EDના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે જો મારા નામની 8.5 એકર જમીનના દસ્તાવેજો મારી સામે મૂકવામાં આવશે તો રાજકારણમાંથી સંન્યાસ લઈ લઇશ અને એટલું નહીં ઝારખંડ છોડીને પણ જતો રહીશ. હેમંત સોરેને કહ્યું કે હું આંસુ નહીં વહાવીશ, સમય માટે તેમને બચાવીશ. વધુમાં કહ્યું કે રાજભવનમાં પહેલીવાર કોઈની ધરપકડ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે લોકસભા સ્પીકરના નિવાસસ્થાન અને રાષ્ટ્રપતિ ભવનથી ધરપકડ ક્યારે શરૂ થશે.

કોંગ્રેસનો પક્ષ લેનાર જેલમાં ગયા
ભાજપ વિધાયક દળના નેતા અમર કુમારએ કહ્યું કે કોંગ્રેસની સાથે જે પણ ગયા છે તે જેલમાં ગયા છે. અમર બૌરીએ કહ્યું કે કોંગ્રેસે જ શિબુ સોરેન અને પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને જેલમાં મોકલ્યા હતા. હવે હેમંત સોરેન જેલમાં ગયા. તેથી સીએમ ચંપાઈ સોરેને પણ સાવચેત રહેવું જોઈએ.  નામાંકિત ધારાસભ્ય ગ્લેન જોસેફ ગોલસ્ટને પણ ગૃહમાં વાત કરી હતી. તેમણે કહ્યું કે એક ષડયંત્રના ભાગરૂપે અમારા જેવા લોકો માટે ગૃહ સુધી પહોંચવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.