Jharkhand: ચંપાઈ સોરેને નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
ઝારખંડ: ઝારખંડ મુક્તિ મોરચા વિધાનસભા પક્ષના નેતા ચંપાઈ સોરેને શુક્રવારે નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ચંપાઇ સોરેને રાજભવનમાં રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને તેમને સીએમ પદના શપથ લેવડાવ્યા હતા. ચંપાઈ સોરેનની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા આલમગીર આલમ અને આરજેડી નેતા સત્યાનંદ ભોક્તાએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે. આ શપથ ગ્રહણ સમારોહ રાજભવનના દરબાર હોલમાં યોજાયો હતો. આ પ્રસંગે JMMની નેતૃત્ત્વ હેઠળના ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. શપથ લીધા બાદ JMMના ધારાસભ્યો ચાર્ટર્ડ પ્લેન દ્વારા હૈદરાબાદ ગયા છે. તેઓ ત્યાં બે દિવસ રોકાશે. સોમવારે ફ્લોર ટેસ્ટમાં ભાગ લેશે.
राज्यपाल श्री @CPRGuv ने राजभवन में आयोजित शपथ ग्रहण समारोह में झारखण्ड के मुख्यमंत्री के रूप में श्री @ChampaiSoren को पद एवं गोपनीयता की शपथ दिलाई। https://t.co/vYAAIwOWev pic.twitter.com/XNOaN3C0xx
— Office of Chief Minister, Jharkhand (@JharkhandCMO) February 2, 2024
67 વર્ષીય આદિવાસી નેતા ચંપાઈ સોરેને રાજ્યના 12મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ ઝારખંડના કોલ્હાન ક્ષેત્રમાંથી છઠ્ઠા મુખ્યમંત્રી બન્યા છે. આ વિસ્તારમાં પૂર્વ સિંઘભૂમ, પશ્ચિમ સિંઘભૂમ અને સરાઈકેલા-ખારસાવાં જિલ્લાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે JMMની બેઠકમાં ચંપાઈને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તે પછી તેઓ રાજભવન ગયા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ ગુરુવારે રાત્રે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને શુક્રવારે શપથ ગ્રહણનો સમય નક્કી કર્યો હતો.
‘સદનમાં અમારી તાકાત જોવા મળશે’
નવા સીએમ ચંપાઈ સોરેને કહ્યું, હેમંત સોરેને આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કામ કર્યું છે. તેમના દ્વારા શરૂ કરાયેલા કામને હું વેગ આપીશ. અમે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની દિશામાં કામ સમયસર પૂર્ણ કરીશું. રાજ્યમાં અસ્થિરતા સર્જવાનો વિપક્ષનો આ પ્રયાસ અમારા ગઠબંધનની તાકાતને કારણે નિષ્ફળ ગયો છે. બીજી બાજુ કોંગ્રેસના નેતા બન્ના ગુપ્તાએ કહ્યું કે, ગૃહ તમને અમારી તાકાત જોવા મળશે. રાંચી એરપોર્ટ પર જ્યારે પૂછવામાં આવ્યું કે ધારાસભ્યો ક્યાં જઈ રહ્યા હતા? તેના પર JMMના ધારાસભ્ય હફિઝુલ હસને કહ્યું, હૈદરાબાદ બિરયાની ખાવા માટે જઇ રહ્યાં છે. JMMના નેતા મનોજ પાંડેએ કહ્યું કે, 39 ધારાસભ્યો હૈદરાબાદ જઈ રહ્યા છે. જે લોકોને ઉપસ્થિત રહેવાનું છે તે શપથ સમારોહ દરમિયાન હાજર રહેશે.
‘મૂળભૂત સુવિધાઓ પર કામ થવું જોઈએ’
ગવર્નર સીપી રાધાક્રિષ્નને કહ્યું કે, અમે હંમેશા માત્ર એક જ વસ્તુની અપેક્ષા રાખીએ છીએ કે ગરીબમાં ગરીબ લોકોની સેવા થવી જોઈએ, આપણે તેમને તેમની મૂળભૂત જરૂરિયાતો, સારા રસ્તા, સારું પીવાનું પાણી, સારી શાળાઓ, સારી આરોગ્યસંભાળ, સિંચાઈ અને એક સારું ઘર જેવી સુવિધા પૂરી કરવા માટે કામ કરવું જોઈએ. ખેડૂતોને લાભ મળે અને લોકોને ચીજવસ્તુઓના સસ્તા ભાવે અનાજ મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં સુવિધાઓમાં સુધારો કરવો પડશે.
આ અમારી મોટી જીત છે
JMMના સાંસદ મહુઆ માજીના જણાવ્યા અનુસાર ચંપાઈ સોરેન આજે ઝારખંડના સીએમ તરીકે શપથ લીધા છે. જે પાર્ટી માટે આ એક મોટી જીત છે. ભાજપ રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતું, પરંતુ તે ષડયંત્રને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું છે. અમને પૂરો વિશ્વાસ છે. કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સીએમ (હેમંત સોરેન) જલ્દી પરત ફરશે અને સોમવારે ફ્લોર ટેસ્ટ લેવામાં આવશે.
અમને કોઈ તોડી શકે નહીં
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજેશ ઠાકુરે કહ્યું હતું કે ચંપાઈ સોરેનને તેમની સરકારની બહુમતી સાબિત કરવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. કોંગ્રેસ JMMના નેતૃત્વના ગઠબંધનમાં અમે સહયોગી છીએ. જ્યારે ચંપાઈ સોરેને કહ્યું હતું કે અમે એક છીએ. અમારું ગઢબંધન ખૂબજ મજબૂત છે. તેને કોઈ તોડી શકતું નથી.
दायित्व को अच्छे से निभाएंगे: श्री @ChampaiSoren pic.twitter.com/2aP5JcFeyn
— Office of Chief Minister, Jharkhand (@JharkhandCMO) February 2, 2024
‘ઇડીએ હેમંત સોરેનની ધરપકડ કરી છે’
નોંધનીય છે કે બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હેમંત સોરેનની સાત કલાકથી વધુ પૂછપરછ કરી હતી. જે બાદ ધરપકડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હેમંત પહેલા રાજભવન ગયા અને રાજીનામું આપ્યા બાદ તેણે ધરપકડના મેમો પર સહી કરી ગતી. કોર્ટે હેમંતને 5 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલી દીધા છે.
‘મુખ્યમંત્રીના શપથ બાદ ધારાસભ્યો હૈદરાબાદ જવા રવાના
ચંપાઈ સોરેને શુક્રવારે સીએમ તરીકે શપથ લીધા બાદ JMMની આગેવાની હેઠળના ગઠબંધનના ધારાસભ્યો રાંચી એરપોર્ટ પર પહોંચ્યા હતા અને હૈદરાબાદ જવા માટે રવાના થયા હતા. માહિતી અનુસાર ધારાસભ્યો હૈદરાબાદ બે દિવસ રોકાશે. આ ધારાસભ્યો સોમવાર સુધીમાં પરત ફરે તેવી શક્યતા છે. લગભગ 35 ધારાસભ્યોને બે ચાર્ટર્ડ પ્લેનમાં હૈદરાબાદ મોકલવામાં આવ્યા છે. હેમંત સોરેનના રાજીનામા બાદ નવા સીએમની નિમણૂકમાં વિલંબ પર ઈન્ડિયા બ્લોકના નેતાઓએ સંસદમાં મુદ્દો ઉઠાવ્યો હતો અને રાજ્યપાલ પર વચગાળાની વ્યવસ્થા ન કરવાનો આરોપ લગાવ્યો હતો. બીજી બાજુ વિપક્ષના સાંસદોએ લોકસભા અને રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું.
ઝારખંડનો મુદ્દો સંસદમાં ઉઠાવાયો
વિપક્ષના નેતા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં નવા સીએમની નિમણૂકની પ્રક્રિયાની સરખામણી એક અઠવાડિયા પહેલા બિહારમાં અને પછી ઝારખંડમાં થયેલી ઉથલપાથલ સાથે તુલના કરી હતી. ખડગેએ કહ્યું કે બિહારમાં જ્યારે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે તેમનું રાજીનામું તરત જ સ્વીકારી લેવામાં આવ્યું હતું. જ્યાં સુધી નવી સરકાર ન બને ત્યાં સુધી તેમને પદ પર રહેવા માટે કહેવામાં આવ્યું હતું અને પછી 12 કલાકમાં જ નીતિશે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા, પરંતુ ઝારખંડમાં જ્યારે હેમંત સોરેને બુધવારે રાજીનામું આપ્યું ત્યારે કોઈ વચગાળાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. હેમંતના રાજીનામા બાદ 81 સભ્યોની વિધાનસભામાં 43 સમર્થક ધારાસભ્યોની સહીવાળો પત્ર આપવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય પાર્ટીના નેતાની ચૂંટણી અંગે માહિતી આપવામાં આવી હતી. અન્ય ચાર ધારાસભ્યો પણ મહાગઠબંધનના સમર્થક છે અને તેઓ રાજ્યની બહાર હોવાથી સમર્થન પત્ર પર સહી કરી શક્યા નથી. પરંતુ રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનએ કોઈ વ્યવસ્થા કરી ન હતી.
’20 કલાક રાહ જોયા બાદ ફોન આવ્યો’
ખડગેએ કહ્યું કે, મુખ્યમંત્રીના રાજીનામાની સ્થિતિમાં સરકાર બનાવવાની બંધારણમાં જોગવાઈ છે. રાજ્યપાલ રાજીનામું આપનાર મુખ્યમંત્રી અથવા અન્ય કોઈ વ્યક્તિ માટે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પદ પર ચાલુ રાખવા માટે વચગાળાની વ્યવસ્થા કરે છે. વધુમાં કહ્યું કે રાજ્યપાલ બહુમતી ધારાસભ્યોનું સમર્થન આપતી પાર્ટીને સરકાર બનાવવા માટે બોલાવે છે અને વિશ્વાસ મત માંગે છે. લગભગ 20 કલાકની રાહ જોયા બાદ ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નવા ચૂંટાયેલા નેતા ચંપાઈ સોરેનને રાજ્યપાલને મળવાનું આમંત્રણ મળ્યું હતું, પરંતુ સમર્થનનો પત્ર હોવા છતાં તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. વધુમાં ખડગે એ કહ્યું, કૃપા કરીને સમજાવો કે કેવી રીતે બંધારણના ટુકડા કરવામાં આવી રહ્યા છે.
‘રાજ્યપાલના વર્તન પર ગૃહમાં ચર્ચા થઈ શકે નહીં’
આ મુદ્દે ગોયલે કહ્યું કે રાજ્યપાલના વર્તન પર ગૃહમાં ચર્ચા થઈ શકે નહીં. રાજ્યપાલની કાર્યવાહીનો બચાવ કરતા તેમણે કહ્યું કે, રાજ્યપાલે સરકાર બનાવવા માટે કોઈને બોલાવતા પહેલા સમર્થન અંગે સંતુષ્ટ થવું જોઈએ. જો કે, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીએ આ મુદ્દા પર દબાણ કર્યું કે શા માટે રાજ્યને નેતાવિહીન છોડી દેવામાં આવ્યું અને હેમંત સોરેનને સરકાર રચાય ત્યાં સુધી પદ પર ચાલુ રાખવા અને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે અન્ય કોઈની નિમણૂક કરવા માટે કોઈ વચગાળાની વ્યવસ્થા કરવામાં આવી નથી. બીજી બાજુ BRS નેતા કે કેશવ રાવે કહ્યું કે બંધારણ કહે છે કે સરકારનું નેતૃત્ત્વ એક મુખ્યમંત્રીએ કરવું જોઇએ, પછી ભલે મુખ્યમંત્રી તે હોય કે બીજા, કોઇ ફર્ક પડતો નથી. આ દેશ બંધારણથી ચાલે છે.