January 24, 2025

ભોજશાળા વિવાદ: ASIએ મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં સોંપ્યો 2 હજાર પાનાંનો રિપોર્ટ, 22 જુલાઈએ થશે સુનાવણી

Bhojshala Controversy: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ ધાર જિલ્લામાં આવેલ ભોજશાળાનું સર્વેક્ષણ પૂર્ણ કર્યું છે અને મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર ખંડપીઠને પોતાનો 2 હજાર પાનાનો અહેવાલ સુપરત કર્યો છે. હવે આ મુદ્દે 22 જુલાઈએ સુનાવણી થશે. સૌથી મોટો સવાલ એ છે કે શું આ રિપોર્ટના આધારે હાઈકોર્ટ 23 વર્ષ પહેલા લાગુ કરાયેલી સિસ્ટમમાં ફેરફાર કરશે?

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં 11મી સદીમાં બનેલ ભોજશાળા સંકૂલનો વિવાદ નવો નથી. હિન્દુ સમુદાય ભોજશાળાને વાગદેવી (દેવી સરસ્વતી)નું મંદિર માને છે. જ્યારે, મુસ્લિમ પક્ષ તેને કમાલ મૌલા મસ્જિદ હોવાનું ગણાવે છે. હિંદુ ફ્રન્ટ ઑફ જસ્ટિસની અરજી પર 11 માર્ચે હાઈકોર્ટે ASIને ભોજશાળા સંકુલનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવા અને છ સપ્તાહમાં તેનો રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો. જોકે, ASIએ રિપોર્ટ રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો હતો. ત્રણ વખત સમય વધારવામાં આવ્યો હતો. 4 જુલાઈના રોજ હાઈકોર્ટે ASIને 15 જુલાઈ સુધીમાં પોતાનો સંપૂર્ણ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો.

અમારો દાવો વધારે મજબૂત છે, સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી: હિન્દુ પક્ષ
હિંદુ ફ્રન્ટ ઓફ જસ્ટિસના વકીલ એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું છે કે આ કેસમાં ASI રિપોર્ટ મહત્વનો છે. ASIના રિપોર્ટથી અમારો કેસ વધુ મજબૂત બન્યો છે. અમે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર ખંડપીઠ સમક્ષ જણાવ્યું હતું કે આ પરિસર હિન્દુ મંદિરનું છે. તેનો ઉપયોગ મસ્જિદની જેમ થઈ રહ્યો છે. ASI દ્વારા 2003માં આપવામાં આવેલ આદેશ સંપૂર્ણપણે ખોટો છે. દેશના નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. અમે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે ASIને સાઇન્ટિફિક સર્વે કરવા માટે નિર્દેશ આપ્યો હતો. 2 હજાર પાનાના રિપોર્ટમાં અમારું સ્ટેન્ડ વધુ મજબૂત બન્યું છે. સુપ્રીમ કોર્ટે આ કેસની કાર્યવાહી પર સ્ટે આપ્યો છે. એટલે જ અમે સુપ્રીમ કોર્ટમાં જઈ રહ્યા છીએ.

આ આદેશને લઈને શરૂ થયો હતો વિવાદ
ASIએ 22 માર્ચે આ વિવાદિત પરિસરનો સર્વે શરૂ કર્યો હતો. લગભગ ત્રણ મહિના સુધી આ સર્વે ચાલ્યો હતો. વાસ્તવમાં, સમગ્ર વિવાદ એજન્સીના 7 એપ્રિલ, 2003ના આદેશને લઈને છે. હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે વિવાદ વધતાં ASIએ પરિસરમાં પ્રવેશને મર્યાદિત કરતો આદેશ આપ્યો હતો. આદેશ બાદ 21 વર્ષ સુધી હિન્દુઓ ભોજશાળામાં મંગળવારે જ પૂજા કરી શકે છે. મુસ્લિમો શુક્રવારના દિવસે જ નમાઝ અદા કરી શકે છે. હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે આ વ્યવસ્થાને પડકારી છે.