September 19, 2024

અંધશ્રદ્ધા: છત્તીસગઢમાં મેલી વિદ્યાની શંકામાં ત્રણ મહિલાઓ સહિત પાંચની હત્યા

Chhattisgarh: રવિવારે છત્તીસગઢના આદિવાસી પ્રભુત્વ ધરાવતા સુકમા જિલ્લામાં એક ગામમાં મેલીવિદ્યાની શંકામાં અન્ય એક મહિલા સહિત બે યુગલોને કથિત રીતે માર મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે જણાવ્યું કે, હત્યાના સંબંધમાં એક જ ગામના પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના કોંટા પોલીસ સ્ટેશન વિસ્તારના એકતાલ ગામમાં બની હતી. મૃત્યુ પામેલા લોકોના નામ મૌસમ કન્ના અને તેની પત્ની મૌસમ બીરી, મૌસમ બુચા અને તેની પત્ની મૌસમ આરઝૂ છે. તેની સાથે લચ્ચી નામની બીજી મહિલા પણ છે.

આરોપીની ધરપકડ
પોલીસે જણાવ્યું કે હત્યાની માહિતી મળતા જ વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે પાંચ આરોપીઓની અટકાયત કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ સવલમ રાજેશ, સવલમ હિડમા, કરમ સત્યમ, કુંજમ મુકેશ અને પોડિયામ એન્કા છે.

અગાઉ એક બાળક સહિત 4 લોકોની હત્યા કરવામાં આવી હતી
પોલીસે જણાવ્યું કે ગુરુવારે રાજ્યના બાલોદાબજાર-ભાટપારા જિલ્લામાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં 11 મહિનાના બાળક સહિત એક જ પરિવારના ચાર લોકોની મેલીવિદ્યાની શંકામાં કથિત રીતે હત્યા કરવામાં આવી હતી.