January 21, 2025

ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે જેપી નડ્ડા અને ગોવિંદ ધોળકિયાને મેદાનમાં ઉતાર્યા

Rajya Sabha Election: ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યસભા ચૂંટણી માટે નવી યાદી બહાર પાડી છે, જેમાં 7 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. અગાઉ આ પહેલા આજે પાર્ટીએ અન્ય 5 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે આ યાદીમાં ગુજરાતમાંથી જે.પી.નડ્ડા, ગોવિંદભાઇ ધોળકીયા, મયંકભાઇ નાયક અને અને જશવંતસિંહ સાલમસિંહના નામોની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામાંકનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. 27મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને મતદાન બાદ તે જ દિવસે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.

ભાજપની યાદીમાં જેપી નડ્ડા અને ગોવિંદભાઈ ધોળકિયાનું નામ
રાજ્યસભા ચૂંટણી માટે ભાજપની નવી યાદીમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને ગુજરાતમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાજપે ગુજરાતમાંથી ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને જશવંતસિંહ સાલમસિંહ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. બીજી બાજુ તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અશોક ચવ્હાણને મહારાષ્ટ્રમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાજપે મહારાષ્ટ્રમાંથી મેધા કુલકર્ણી અને ડૉ.અજીત ગોપાચડેને પણ મેદાનમાં ઉતાર્યા છે.

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની રાજકીય સફર

  • જે.પી. નડ્ડા બિહારમાં જેપી આંદોલનમાંથી આવ્યા ચર્ચામાં આવ્યાં
  • નડ્ડાએ 1977-79માં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
  • 1982માં વિદ્યાર્થી પરિષદના પ્રચારક બન્યા હતા
  • 1989માં ABVPના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બન્યા
  • 1993માં હિમાચલ પ્રદેશના ધારાસભ્ય કરીકે ચૂંટાયા
  • 2010માં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બન્યા
  • 2012માં રાજ્યસભામાં મેળવ્યો પ્રવેશ
  • 2014માં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી બન્યા
  • 2019માં ભાજપના કાર્યકારી અધ્યક્ષ બન્યા

કોણ છે ગોવિંદભાઇ ધોળકિયા?

  • સુરતના હીરાના અગ્રણી વેપારી
  • રામકૃષ્ણ ડાયમંડના માલિક છે ગોવિંદભાઇ ધોળકિયા
  • અયોધ્યા ખાતે રામ મંદિરમાં 11 કરોડનું દાન કર્યું હતું
  • લોકો વચ્ચે પ્રેમથી ‘કાકા’ તરીકે જાણીતા
  • 1964માં 17 વર્ષની ઉંમરે જાહેર જીવનની શરૂઆત કરી
  • પાટીદાર ચહેરો છે ગોવિંદ ધોળકિયા

કોણ છે મયંક નાયક?

  • BJP OBC મોરચાના પ્રમુખ
  • ઉત્તર ગુજરાતની રાજનીતિનો મોટો અને યુવા ચહેરો
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજીકના
  • ગાંધીનગર લોકસભાના ક્લસ્ટર પ્રભારી

ભાજપની બીજી યાદી આજે જાહેર કરવામાં આવી છે
ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે આજે બીજી યાદી જાહેર કરી છે. અગાઉ ભાજપે 5 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં ભાજપે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ઓડિશાથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય પાર્ટીએ મધ્યપ્રદેશથી ડો.એલ. મુરુગન, ઉમેશ નાથ મહારાજ, માયા નરોલિયા અને બંસીલાલ ગુર્જરને ઉમેદવાર બનાવ્યા છે.

રાજ્યસભા માટે 27 ફેબ્રુઆરીએ થશે મતદાન
રાજ્યસભાની ચૂંટણી માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતદાન સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી થશે. મતદાન થયા બાદ તે જ દિવસે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે ઉમેદવારોના નામાંકન માટેની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. રાજ્યસભાની કુલ બેઠકોની સંખ્યા 245 છે.