બિલકિસ બાનો કેસઃ ગુજરાત સરકારને ઝટકો! સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
Bilkis Bano case: બિલકિસ બાનો કેસમાં, સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર બળાત્કાર અને તેના પરિવારના 7 સભ્યોની હત્યાના દોષિત 11 લોકોને આપવામાં આવેલી છૂટ રદ કરવાના કોર્ટના અગાઉના નિર્ણયની સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી હતી. ગુજરાત સરકારે 8 જાન્યુઆરીના સુપ્રીમ કોર્ટના આદેશમાં રાજ્ય વિરુદ્ધ કરવામાં આવેલા કેટલાક અવલોકનો સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી.
જસ્ટિસ બીવી નાગરથ્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેંચે કહ્યું કે “સમીક્ષા અરજીઓ, પડકારવામાં આવેલા આદેશ અને તેમની સાથે જોડાયેલા દસ્તાવેજોનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યા બાદ, અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે રેકોર્ડમાં કોઈ ભૂલ દેખાતી નથી અથવા સમીક્ષા અરજીઓમાં કોઈ એવો ગુણ નથી, જેના કારણે પડકારવામાં આવેલા આદેશ પર પુનર્વિચાર કરવામાં આવે.” તેથી સમીક્ષા અરજીઓ ફગાવી દેવામાં આવે છે. ગુજરાત સરકારે દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટે રાજ્યને “વિવેકબુદ્ધિના દુરુપયોગ” માટે દોષિત ઠેરવીને તેના આદેશમાં “રેકોર્ડમાં સ્પષ્ટ ભૂલ” કરી છે.
નોંધનીય છે કે, બિલકિસ બાનો 21 વર્ષની હતી અને 5 મહિનાની ગર્ભવતી હતી જ્યારે 2002ના ગુજરાત રમખાણોમાં ગોધરા ટ્રેન આગ બાદ ભાગી રહી હતી ત્યારે તેના પર ગેંગરેપ થયો હતો. હુમલા દરમિયાન માર્યા ગયેલા પરિવારના સાત સભ્યોમાં તેમની ત્રણ વર્ષની પુત્રી પણ સામેલ હતી. 2008માં આ કેસમાં 11 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જો કે, તેને 15 ઓગસ્ટ 2022 ના રોજ ગુજરાત સરકારની મુક્તિ નીતિ હેઠળ મુક્ત કરવામાં આવ્યા હતા.
8 જાન્યુઆરી 2024ના રોજ, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ગુજરાત સરકારને મુક્તિ આપવાનો અધિકાર નથી, કારણ કે આ ફક્ત મહારાષ્ટ્ર સરકાર જ કરી શકે છે, જ્યાં ટ્રાયલ ચાલી હતી. કોર્ટે છૂટને ફગાવી દીધી હતી અને ગુનેગારોને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.