પરશોત્તમ રુપાલાના વિવાદ અંગે પૂછતા સીઆર પાટીલનું મૌન!
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લાના વાવમાં યોજાયેલી ભાજપની સભામાં 2022માં અપક્ષ ચૂંટણી લડેલા અમીરામ આસલ ભાજપમાં જોડાયા હતા. ચૂંટણી લડ્યા અગાઉ કોંગ્રેસના વિવિધ હોદ્દાઓ ઉપર હતા અને હવે અમીરામ આસલ ભાજપમાં જોડાયા છે. ત્યારે વાવની સભામાં અમીરામ આસલને વાવ વિધાનસભામાંથી એક લાખ મતની લીડ આપવાની જવાબદારી સીઆર પાટીલે સોંપી છે. જો કે, સીઆર પાટીલે વાવની સભામાં કોંગ્રેસને આડે હાથે લીધી હતી અને ભાજપના વિકાસના વખાણ કર્યા હતા. ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના વિવાદ પર અને અમરેલીના વિવાદ પર સીઆર પાટીલે બોલવાનું ટાળ્યું હતું અને ચાલતી પકડી હતી.
બનાસકાંઠા લોકસભા બેઠક પર બંને મહિલા ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોર પોતાના આક્રમક અંદાજથી પ્રચાર કરી રહ્યા છે અને લોકચાહના મેળવી રહ્યા છે. જ્યારે ભાજપના રેખા ચૌધરી પણ આગવા અંદાજમાં મોદીના નામે મત માગી રહ્યા છે, પરંતુ બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસના ગઢમાં એકપછી એક ગાબડાં પાડી રહ્યો છે. સૌપ્રથમ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, ત્યારબાદ જોઈતાભાઈ પટેલ, પછી મહેશ પટેલ અને થરાદના કોંગ્રેસ અગ્રણી ડીડી રાજપૂત અને હવે અમીરામ આસલ ભાજપમાં જોડાયા છે, એટલે કે ભાજપ એક પ્રકારે કોંગ્રેસના ગઢમાં ગાબડાં પાડી રહ્યો છે અને પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ 1951-52ની લોકસભા ચૂંટણીઃ કચ્છ-સૌરાષ્ટ્ર અને બોમ્બે રાજ્યોમાં કઈ બેઠક પર કોણ જીત્યું?
આજે વાવ ખાતે યોજાયેલી ભાજપની સભામાં બ્રહ્મ સમાજના વાવના આગેવાન અને એક સમયે ગેનીબેનના રાઈટ હેન્ડ ગણાતા અમીરામ આસલે સમર્થકો સાથે કેસરિયા કર્યા હતા. વિધાનસભામાં એક લાખ લીડની જવાબદારી અમીરામ આસલને સોંપવામાં આવી છે. ત્યારે અમીરામ આસલે પણ કહ્યું છે કે, ‘હું અને મારા કાર્યકરો થકી વધુ પ્રયત્ન કરીશ’. તો 2022માં અપક્ષ ચૂંટણી લડવાને મુદ્દે અમીરામ આસલે કહ્યું હતું કે, મને ચૂંટણી લડવાનું મન થયું ને મેં લડી આમ કહીને વિવાદ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો કે, ગુજરાતમાં હાલમાં રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે, તો અમરેલી બેઠક પરથી પણ વિવાદ ચાલી રહ્યો છે. જેમાં બનાસકાંઠામાં વાવની સભામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે બોલવાનું ટાળ્યું હતું અને ચાલતી પકડી હતી.