ગેનીબેન ઠાકોરના વિધાનસભા અધ્યક્ષ પર નામ લીધા વગર પ્રહાર
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લાની લોકસભાની બેઠક પર ચૂંટણીનો રંગ જામતો જાય છે. એક તરફ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ધૂંઆધાર પ્રચાર કરી રહ્યા છે, તો તેમની પાછળથી કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસને રામરામ કરી રહ્યા છે. બીજી તરફ ભાજપના રેખાબેન ચૌધરી વિકાસના મુદ્દાઓને લઈને પ્રજા વચ્ચે જઈ રહ્યા છે, તો ભાજપના આગેવાનો પક્ષપલટુઓને આવકારી રહ્યા છે. ત્યારે હવે લાગી રહ્યું છે કે, કોંગ્રેસમાંથી એક પછી એક આગેવાનો ખસતા જાય છે અને કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થતો જાય છે.
બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ હવે ઘેરાતું જાય તેવી પરિસ્થિતિ થવા લાગી છે. થરાદના કોંગ્રેસ અગ્રણી અને રાજપૂત સમાજના અગ્રણી રાજપૂતે કોંગ્રેસને રામરામ કર્યા છે. એક સમયે ગેનીબેનના રાઈટ હેન્ડ ગણાતા વાવના અમીરામ આશરે પણ કોંગ્રેસને રામરામ કર્યા છે. અગાઉ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ, પાલનપુરના પૂર્વ ધારાસભ્યો મહેશ પટેલ અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈએ પણ કોંગ્રેસને રામરામ કર્યા છે. જો કે, ડીડી રાજપૂત અને અમીરામ આશરને કોંગ્રેસમાં રામરામ કરવાની પ્રક્રિયાને લઈને ગેનીબેન ઠાકોરે કહ્યું કે, આવા જે આગેવાનો પક્ષને છોડીને જતા હોય છે. ત્યારે તેમને પહેલા સમાજને પૂછવું જોઈએ કારણ કે, પક્ષમાં તે સમાજ થકી જ ઉજળા થાય છે અને જ્યારે પક્ષને છોડવાનો વારો આવે ત્યારે ભાજપની સામ-દામ દંડ અને ભેદની રાજનીતિમાં ઝૂકી જાય છે અને પક્ષપલટો કરે છે. બીજી તરફ ધાનેરાના અપક્ષ ધારાસભ્ય કે જેમને ભાજપને સમર્થન આપ્યું છે એમને પણ ડીડી રાજપૂતના પગલાંને આવકાર્યું છે અને કહ્યું છે કે, તેઓ મોદીજીની વિકાસની રાજનીતિમાં જોડાયા છે ત્યારે એક પ્રકારે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો મથામણ કરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસના આગેવાનો જે રીતે ભાજપમાં જઈ રહ્યા છે તે જોતા કોંગ્રેસની ચૂંટણીનો રંગ દિવસે અને દિવસે ફીકો પડતો જઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ સુરતમાં ફરી એક વખત બોગસ ડિગ્રી સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું, 3 લોકોની ધરપકડ
ગેનીબેન ઠાકોર આક્રમક તેવર માટે જાણીતા છે, એટલે દરેક જગ્યાએ પ્રચાર કરી મતદારોનું પૂરતું સમર્થન મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે અને જે જિલ્લાના પ્રશ્નો છે તેમને પણ રજા સમક્ષ લઈને જઈ રહ્યા છે. ગેનીબેન ઠાકોરે આજે અમીરગઢ ખાતે સભાને સંબોધી હતી અને તેમાં આડકતરી રીતે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પર આકરા પ્રહાર કર્યા હતા. અમીરગઢમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નામ લીધા વિના આક્ષેપ કર્યા હતા અને ચૂંટણી પ્રચાર દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉપર કર્યા પ્રહાર કર્યા હતા.
ગેનીબેને ઠાકોરે શંકર ચૌધરીનું નામ લીધા વગર તેમની ઉપર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, ‘આ ચૂંટણી કોઈ ભાજપ-કોંગ્રેસ વચ્ચે નથી આ ચૂંટણી કોઈ સમાજ-સમાજ વચ્ચે નથી. આ ચૂંટણી માત્રને માત્ર એક વ્યક્તિ જે બહારથી આવીને બનાસકાંઠાને બાનમાં લીધું છે. તેના ચુંગલમાંથી જિલ્લાને આઝાદ કરાવવા માટેની ચૂંટણી છે. એક જ વ્યક્તિ સત્તામાં બેઠો હોય અને એ નિર્ણય કરે છે, ડેરીમાં હોય, બેંકમાં હોય કે સંસદ પણ ઠેકાણે, એક જ વ્યક્તિનો નિર્ણય હોય એટલે પ્રજાને અન્યાય થાય બહારથી આવેલા વ્યક્તિને કોઈ પ્રત્યે દિલથી લાગણી ન હોય આવી બ્લૂ પ્રિન્ટ એક જ આગેવાન મારફતે જિલ્લામાં થાય છે, એ તમને ખબર છે, મારે એનું નામ નથી લેવું એમની સામે ચૂંટણી લડવાનો સૌથી વધારે અનુભવ હોય તો એ મને જ છે’ કહીને ચેરમેન શંકર ચૌધરીને અમીરગઢની સભામાં નિશાન બનાવ્યા હતા.