September 8, 2024

અંબાજીમાં આવેલી પ્રાથમિક શાળામાં રિયાલિટી ચેક, અઠવાડિયાથી પીરસાતું હતું જીવાતવાળું ભોજન!

બનાસકાંઠાઃ જિલ્લાના દાંતા તાલુકાના અંબાજીમાં આવેલી 1-પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજનના રિયાલિટી ચેક માટે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી શાળાઓમાં પીરસાતા મધ્યાહ્ન ભોજનમાં જીવાત અને ગુણવત્તા વગરના અનાજનો ઉપયોગ થતો હતો.

દાંતા તાલુકાની સૌથી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળા શ્રી અંબાજી ૧ પ્રાથમિક શાળામાં 1400 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને સ્કૂલમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં મધ્યાહ્ન ભોજનનો લાભ લે છે. અગાઉ દાંતા તાલુકાની શાળાઓમાં જે ફરિયાદો મળી હતી કે સરકાર દ્વારા તેમને જે દાળ પૂરી પાડવામાં આવી છે તે જીવાતવાળી છે અને તેની ગુણવત્તા બહુ જ ખરાબ છે. તે વિષય ઉપર અંબાજી શાળાના મધ્યાહ્ન ભોજન સંચાલક રમેશભાઈ સિસોદિયા જણાવ્યું હતું કે, તેમની પણ શાળામાં ખરાબ દાળ ગુણવત્તા વગરની આવી હતી અને તેમને અધિકારીઓની સૂચના પ્રમાણે તે દાળ પરત દાંતા ગોડાઉન ઉપર જથ્થો મોકલી આપ્યો હતો. અંદાજે 380 કિલો જેટલી દાળ પરત જમા કરાવી છે.

બાળકોને મધ્યાહ્ન ભોજન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, હાલ જે બાળકોને મધ્યાહ્ન ભોજન પીરસવામાં આવી રહ્યું છે. તેમાં દાળનો ઉપયોગ થતો નથી. તેમાં ચણાં-ભાત સુખડી અને શાકભાજીની ઢોકળીનો ઉપયોગ કરવામાં આવે છે, જે બાળકો નિત્ય હાલ શાળામાં ભોજન લઈ રહ્યા છે.

દાંતા તાલુકાની અન્ય શાળાની જેમ આ શાળામાં પણ 380 કિલો જેવો દાળનો ગુણવત્તા વગરનો અને જીવાતવાળો જથ્થો આવ્યો હતો. ત્યારે આ શાળાએ 380 કિલો દાળનો જથ્થો પરત જમા કરાવ્યો હતો. તેવી જ રીતે અન્ય શાળાએ પણ આવો અનાજનો જથ્થામાં ગુણવત્તા વગરનો અથવા કોઈ સમસ્યા આવે ત્યારે તકેદારી રાખી પગલાં તત્કાલે લેવા જોઈએ અને બાળકના આરોગ્ય સાથે જે ચેડાં અન્ય શાળાઓ કરી રહી છે તેનાથી બચવું જોઈએ.