January 23, 2025

બજરંગ પુનિયા અને NADA આમનેસામને, સસ્પેન્શન બાદ એજન્સી સામે સવાલ

અમદાવાદ: ભારતના રેસલિંગ સ્ટાર બજરંગ પુનિયા દિલ્હીમાં કુશ્તી સંઘની વિરૂદ્ધમાં પ્રદર્શન કરીને ઘણા સમયથી વિવાદમાં હતા. હવે તેમના એક નિર્ણયે તેમને મુશ્કેલીમાં નાખી દીધા છે. NADAએ તેમને અસ્થાયી રૂપથી સસ્પેન્ડ કર્યા છે. એજન્સીના જણાવ્યા અનુસાર, પેરિસ ઓલંપિક માટે માર્ચમાં થનારા સિલેક્શન ટ્રાયલ સમયે યૂરિન સેમ્પલ જમા કરાવવા માટે ના કરી દીધી હતી. તેમના આ નિર્ણયના કારણે NADAએ તેમના વિરૂદ્ધ આ પ્રોવિજનલ એક્શન લેવામાં આવ્યું છે. એજન્સીના અંતિમ નિર્ણય સુધી બજરંગ કોઈ પણ રેસલિંગ કોમ્પિટિશનમાં ભાગ નહીં લઈ શકે. NADAના આ નિર્ણયથી ઓલિમ્પિકમાં તેમની દાવેદારી પર ખતરો મંડરાઈ રહ્યો છે.

પુનિયાએ એજન્સી પર સવાલો ઉઠાવ્યા હતા
NADAના નિર્ણય બાદ એજન્સી અને બજરંગ પુનિયા આમને-સામને આવી ગયા છે. તેણે એજન્સી પર જ સવાલો ઉઠાવ્યા છે. પુનિયાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે તેણે ક્યારેય નાડાના અધિકારીઓને સેમ્પલ આપવાનો ઈન્કાર કર્યો નથી. હકીકતમાં એજન્સીએ તેને ટેસ્ટિંગ માટે એક્સપાયર્ડ કીટ મોકલી હતી, પરંતુ જ્યારે તેણે આ અંગે જવાબ માંગ્યો ત્યારે નાડા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પુનિયાએ એમ પણ કહ્યું કે તેમના વકીલો હવે એજન્સીના સસ્પેન્શન પત્રનો જવાબ આપશે.

આ પણ વાંચો: વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પહેલો ખેલાડી

નાડાએ 7મી મે સુધીનો સમય આપ્યો છે
ડોપિંગ એજન્સીએ બજરંગ પુનિયા પાસેથી 7 મે સુધીમાં લેખિત જવાબ માંગ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે તેઓએ ઇનકાર માટે સહાયક દસ્તાવેજો સબમિટ કરવા પડશે. પુનિયાને બે વિકલ્પ આપવામાં આવ્યા છે. NADAએ કહ્યું છે કે, તેણે આરોપો સ્વીકારવા જોઈએ, તેનાથી સુનાવણી બંધ થઈ જશે અથવા તેની સામેના આરોપો સામે એન્ટી ડોપિંગ પેનલ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરશે.

શું છે સમગ્ર મામલો?
પેરિસ ઓલિમ્પિક માટે ભારતમાં ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. પરંતુ બજરંગ પુનિયાને હજુ સુધી પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મળી નથી. 65 કિલોગ્રામ વર્ગમાં ભાગ લઈ રહેલા પુનિયાને તેના ક્વોટા માટે ડોપ ટેસ્ટ કરાવવો પડ્યો હતો. પરંતુ NADA અનુસાર તેણે માર્ચમાં યોજાયેલી ટ્રાયલ દરમિયાન તેના નમૂના આપવાનો ઇનકાર કર્યો હતો. એ બાદ 23 એપ્રિલે એજન્સીએ તેમને સસ્પેન્શન લેટર મોકલ્યો. જો કે, હાલમાં તેને માત્ર અસ્થાયી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એજન્સીએ કહ્યું છે કે, તેના અંતિમ સસ્પેન્શન અંગેનો નિર્ણય સુનાવણી બાદ જ લેવામાં આવશે.