May 18, 2024

હજારો કિલોમીટર દૂર બેઠાં-બેઠાં એસ. જયશંકરે ચીનને આપ્યો જડબાતોડ જવાબ

China Claims on Arunachal Pradesh: અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવાની નિંદા કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, અરુણાચલ પ્રદેશ ઉત્તર-પૂર્વી રાજ્યો ભારતનો ભાગ છે. બીજિંગના દાવાઓને હાસ્યાસ્પદ ગણાવતા વિદેશમંત્રીએ કહ્યું કે, અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ છે. કારણ કે તે હંમેશાથી ભારતનો એક અભિન્ન અંગ રહ્યું છે. મહત્વનું છેકે, એસ. જયશંકર ત્રણ દેશોની યાત્રા પર છે. જેમાં તેઓ સિંગાપોર પહોંચ્યા હતા. જ્યાં તેમણે નેશનલ યૂનિવર્સિટીના ઈસ્ટિટ્યૂટ ઓફ સાઉથ એશિયન સ્ટડીઝના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં વિદેશમંત્રીએ ચીનના દાવાને ખોટા કહ્યા છે. આ ઉપરાંત જયશંકરે તેમની પુસ્તક ‘વ્હાઈ ભારત મેટર્સ’ પર પણ ખુલીને વાત કરી હતી. હજારો કિલોમીટર દૂર રહીને પણ વિદેશમંત્રી એસ જયશંકરે ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે.

જયશંકરે કહ્યું- આ કોઈ નવો મુદ્દો નથી
આ કાર્યક્રમમાં અરુણાચલ પર ચીનના દાવા અંગેના એક પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું, “આ કોઈ નવો મુદ્દો નથી. ચીને અગાઉ પણ આ દાવો કર્યો છે. આ દાવો હાસ્યાસ્પદ છે. અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ છે કારણ કે તે હંમેશાથી જ ભારતનો ભાગ રહ્યો છે.

વિદેશ મંત્રાલયે પણ ચીનના દાવાને ફગાવી દીધા છે
હાલમાં જ ચીને અરુણાચલ પ્રદેશ વિશે કહ્યું હતું કે, તે ચીન પ્રદેશનો આંતરિક ભાગ છે. ચીનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, બેઇજિંગ ભારત દ્વારા ગેરકાયદેસર રીતે સ્થાપિત કહેવાતા અરુણાચલ પ્રદેશને ક્યારેય સ્વીકારતું નથી. બીજી તરફ ભારતે ચીનના આ વાહિયાત દાવાઓને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, અરુણાચલ પ્રદેશના લોકોને ભારતના વિકાસ કાર્યક્રમો અને માળખાકીય પ્રોજેક્ટ્સનો લાભ મળતો રહેશે.

સરહદી તણાવ માટે ચીને ટીકા કરી હતી
આ કાર્યક્રમમાં જયશંકરે 2020 થી ચાલી રહેલા વિવાદ વિશે નિવેદન આપતા કહ્યું કે, અમે સરહદ વિવાદ ઉકેલવાની વાત નથી કરી રહ્યા, અમે સરહદ પર શાંતિ જાળવવાની વાત કરી રહ્યા છીએ. વર્ષ 1975 થી 2020 સુધી બોર્ડર પર કોઈની હત્યા થઈ ન હતી. તેથી તે 45 વર્ષ સુધી ચાલી આવ્યું છે. આપણે આજે આપણી જાતને પૂછવું પડશે કે, તે હવે કેમ કામ કરતું નથી.