અરવલ્લીમાં વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ થતા મોટું નુકસાન
સંકેત પટેલ, અરવલ્લીઃ જિલ્લામાં અત્યાર સુધીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે સૌથી વધુ મોડાસા તાલુકામાં વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે મોડાસા તાલુકાના ઉમેદપુર ગામના ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ છે. એક તરફ નવીન રેલવે લાઈનનું કામ શરૂ છે પણ પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે રેલવેનું પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાયું છે. બીજી તરફ, મેશ્વો નદીની માઇનોર કેનાલમાં સાફસફાઈ ન હોવાના કારણે તેમજ આગળ કેનાલ બ્લોક થઈ જતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે.
અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે જિલ્લામાં સૌથી વધુ સિઝનનો વરસાદ મોડાસા તાલુકામાં 56 ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો મોડાસાના ઉમેદપુર ગામની પાછળ નવીન રેલવેનું કામ શરૂ છે. ત્યારે રેલવે વિભાગ દ્વારા પાણીનો કોઈ નિકાલ ન કરતા પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાયા છે.
બીજી તરફ રેલવે નવીન લાઈનની પાસે મેશ્વો નદીની માઇનોર કેનાલ પસાર થાય છે. ત્યારે આ કેનાલની સાફસફાઈ પણ કરવામાં આવી નથી. બીજી તરફ ઉમેદપુરથી નાની ઈસરોલ તરફ માઇનોર કેનાલ બુરાઈ જતા કેનાલનું પાણી પણ ખેડૂતોના ખેતરોમાં ભરાઈ ગયું છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે પણ હજુ આ ખેતરો પાણીમાં ગરકાવ છે.
ઉમેદપુર ગામના પાંચથી વધુ ખેડૂતોની 20 વીઘા જેટલી જમીનમાં પાણી ભરાયેલા છે. ખેડૂતોએ મોંઘાભાવના બિયારણો લાવી પાકનું વાવેતર કરેલું પણ રેલવે તેમજ સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોનો પાક ડૂબી રહ્યો છે. હાલ પણ ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ છે. ત્યારે રેલવે તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવે તેમજ સરકાર દ્વારા નુકશાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માગ કરી છે.