December 27, 2024

અંજારમાં શ્રમિકોને જીવતા સળગાવવાનો પ્રયત્ન, આરોપીની ધરપકડ

anjar attempt to burn laborers alive police arrested accused

અંજારમાં ઝૂંપડપટ્ટીમાં આગ લગાવવામાં આવી હતી.

અંજારઃ શહેરના મોચી બજારમાં આગ લાગવા મામલે મોટો ખુલાસો થયો છે. મોચી બજારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી. ત્યારે ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, આ આગ લગાવવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે, આ ઝૂંપડપટ્ટીમાં રહેતા 12 શ્રમિક પરિવારને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શ્રમિકોએ કામ કરવાની ના પાડતા આગ લગાવવામાં આવી હતી. મજૂરીના પૈસા ન મળતા કોન્ટ્રાકટરને ના પાડી હતી. ત્યારે 12 જેટલા ભૂંગાઓમાં પેટ્રોલિયમ પદાર્થ છાંટીને આગ ચાંપવામાં આવી હતી. ત્યારે ભૂંગાઓ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. જેને કારણે 50થી વધુ લોકો બેઘર થયા હતા. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

શ્રમિકોને કોન્ટ્રાક્ટર અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તેટલું જ નહીં, આખો દિવસ મજૂરી કરાવીને માત્ર 100 રૂપિયા મહેનતાણું ચૂકવતો હતો. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે આરોપી ભાગી જાય તે પહેલાં જ પોલીસે તેને રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે રફીક કુંભાર નામના આરોપીની ધરપકડ કરી હતી.