November 22, 2024

સાવરકુંડલાના જીરા ગામના વતનીએ અનોખી રીતે ચૂકવ્યું વતનનું ઋણ, 70 વીઘા જમીન ખરીદી તળાવ બંધાવશે

અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના જીરા ગામના વતની અને સુરત રહેતા ઉદ્યોગપતિ દ્વારા પોતાના ખર્ચે 70 વીઘા જમીન વેચાતી લઈને એક તળાવ બનાવવાનું નક્કી કરતા આજે પરિવાર અને મહાનુભાવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ ખારાપાટ વિસ્તારનું ગામ કહેવાય છે. આ ગામમાં પાણીનો પ્રશ્ન તો છે જ, ત્યારે જીરા ગામના વતની અને સુરત રહેતા પરેશભાઈ ડોબરીયાને વિચાર આવ્યો કે, મારે મારા વતન માટે કંઈક એવું કામ કરવું જોઈએ જે સમગ્ર ગામને ઉપયોગી થાય. આ વિચારને તેણે જળસંચયના વિચારમાં પરિવર્તિત કરી પોતાના ખર્ચે 70 વીઘા જમીન વેચાતી લીધી અને આજે આ જમીન ઉપર વિઠ્ઠલરાય સરોવરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

ડોબરિયા પરિવાર અને રાજકીય અગ્રણીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી આ સરોવરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આસપાસના ગામોમાં આ સરોવરમાં એકઠું થનારા પાણીનો લાભ મળશે અને ખેતી માટે તેમજ પીવાના પાણીના સોર્સના તળ પણ ઊંચા આવશે. તળાવ બનાવનારા ડોબરીયા પરિવારના મોભી પરેશભાઈએ જણાવ્યુ હતુ કે, ‘જો તમને કુદરતે કંઈક આપ્યું હોય તો વતનનું ઋણ ચૂકવવા કંઈક સાર્વજનિક ઉપયોગી થાય તેવું કામ કરવું.’

સાવરકુંડલા તાલુકાના જીરા ગામ ના લોકો મોટી સંખ્યામાં સુરત વસવાટ કરે છે. તેમાં ઉદ્યોગપતિઓ પણ છે. તેમાંના એક ઉદ્યોગપતિ એટલે પરેશભાઈ ડોબરીયા. જીરા ગામ માટે આજે ગૌરવનો દિવસ બની ગયો છે. પાણીનો પ્રશ્ન હલ કરવા માટે પરેશભાઈનું આર્થિક યોગદાન જીરા ગામના વિકાસ માટે પાયાનું યોગદાન બની ગયું છે. આ સરોવરના ખાતમુહૂર્ત પ્રસંગે રાજકીય મહાનુભાવો ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હતી. પરેશભાઈ ડોબરીયા હંમેશા જીરા ગામની ચિંતા કરતા હોય છે. થોડા જ મહિના પહેલા જીરા અને આસપાસના વિસ્તારમાં 5000 જેટલા વૃક્ષોનું વાવેતર કરી ગામ અને ગામના સીમાડાને હરિયાળું કરવાનો પ્રયાસ કર્યો હતો. તે બદલ ગ્રામજનો આગેવાનો પરેશભાઈને અભિનંદન આપી રહ્યા છે. કારણ કે જીરા સહિત આસપાસના 11 ગામોને આ વિઠ્ઠલરાય સરોવરના પાણીનો લાભ મળશે.

સાવરકુંડલા તાલુકાનું જીરા એટલે મોટું ગામ અને આ ગામમાં હંમેશા પહેલેથી જ વિખવાદ અને ડખો ચાલ્યો આવે છે. તેના કારણે ગામનો યોગ્ય વિકાસ થઈ શક્યો નથી. ત્યારે આ સરોવર ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા તેમજ આ વિસ્તારના ધારાસભ્યો મહેશભાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ હતી. જેમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ ગામમાં ચાલી રહેલા વિખવાદને દૂર કરવા માટે ખાસ ટકોર કરી હતી. તેમજ કૌશિકભાઇ વેકરીયાએ પણ ગામની મોટી સંખ્યામાં એકતા જોઈ અને આ એકતા કાયમી ટકી રહે તે માટેની ટકોર કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.