AMCના પ્લોટ ટ્રસ્ટના નામે સસ્તા ભાવે મેળવી લાખો રૂપિયાની કમાણી કરવાનું કૌભાંડ

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાના પ્લોટ સસ્તા ભાવે મેળવી લાખો રૂપિયાની કમાણી કરવાનું કૌભાંડ ખુલ્યું છે. કોર્પોરેશનના મળતિયાઓ ટ્રસ્ટના નામે ખાલી પડેલા પ્લોટ ઓછા ભાડેથી મેળવી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. ટ્રસ્ટના નામે સેવાકીય હેતુના નામે પ્લોટ ટોકન ભાડેથી લઈને ત્યાં સેવાકીય પ્રવૃતિને બદલે સીઝનેબલ, કોમર્શિયલ અને ફૂટ કોર્ટ બનાવી લાખો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી છે. કોર્પોરેશનમાં કેવી રીતે સસ્તા ભાડે પ્લોટ મેળવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે તે જૂઓ અમારા આ વિશેષ અહેવાલમાં…
અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ ટીપી સ્કીમોમાં ખાલી પડેલા પ્લોટ કોર્પોરેશનના મળતિયાઓ માટે સોનાના ઈંડા આપતી મરઘી સમાન સાબિત થયા છે. ભાજપના કોર્પોરેટરો અને હોદ્દેદારો પોતાના મળતિયાઓને સ્ટેન્ડીંગ કમિટીમાં ભલામણ કરીને ટોકન ભાવે સેવાકીય હેતુ માટે ટ્રસ્ટને પ્લોટ ભાડે આપવામાં આવે છે. નિકોલમાં મુરલીધર ચેરીટેબલ ટ્રસ્ટના નામે ટીપી 103ના ફાઈનલ પ્લોટ નં-119/1 અને 202ની 1170 ચોરસ મીટર જગ્યા માસિક 30 હજારના ભાડેથી કોર્પોરેશન પાસેથી મેળવવામાં આવી હતી. આ પ્લોટ પર તેમણે 80 જેટલા સ્ટોલ બનાવી નિકોલ શોપિંગ સ્ટ્રીટ એન્ડ ક્રાફ્ટ બજાર ઉભું કરી દીધું હતું. આ પ્લોટ માટે તેઓ કોર્પોરેશનને મહિને માત્ર 30 હજાર ભડું ચૂકવતા હતા .જ્યારે તેઓએ અહીં 80 સ્ટોલ બનાવી તે સ્ટોલ 8 હજારથી લઈ 15 હજાર સુધી માસિક ભાડું વસુલી મહીને 6થી 8 લાખની કમાણી કરતા હતા. કોર્પોરેશનના ધ્યાને આવતા તાત્કાલિક આ પ્લોટ પર બનાવવામાં આવેલ કોર્શિયલ માર્કેટ બંધ કરાવવામાં આવ્યું છે.
આવી જ રીતે નિકોલ ટીપી 103ના ફાઈનલ પ્લોટ નં-123 માસિક 51 હજાર રૂપિયાના ઉચ્ચક ભાડેથી કોર્પોરેશન પાસેથી લેવામાં આવ્યો છે જેમાં સીઝનેબલ અને કાપડ માર્કેટ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે નિકોલ ટીપી 102ના ફાઈનલ પ્લોટ નં-91 માસિક 30 હજારના ભાડેથી કોર્પોરેશન પાસેથી ટ્રસ્ટના નામે લઈ સીઝનેબલ અને કપડા બજાર શરૂ કરી દેવામાં આવ્યું છે. વિપક્ષે આક્ષેપ કર્યો કે ભાજપના નેતાઓએ આ પ્લોટ લીધા છે. સ્ટેન્ડીગ કમિટીને અંધારામાં રાખીને આ પ્લોટ લેવામાં આવ્યા છે.
નિકોલમાં એસપી રીંગ પર ઔડાના પ્લોટમાં પણ આજ સ્થિતિ છે. ટ્રસ્ટના નામે પ્લોટ લઈને ફૂડ કોર્ટ ઉભી કરવામાં આવ્યું છે. કોર્પોરેશનના નિયમ મુજબ કોઈપણ ટ્રસ્ટ કે ગૃહ ઉદ્યોગ માટેના હેતુથી 3 મહિના માટે પ્લોટ ભાડે આપવામાં આવે છે. ત્યારે ટ્રસ્ટના નામે ટોકન ભાવે પ્લોટ ભાડે લઈને તેનો કોમર્શિયલ ઉપયોગ કરી કમાણી કરવામાં આવી રહી છે. જે હેતુ માટે પ્લોટ આપવામાં આવે છે તેની જગ્યાએ અન્ય હેતું માટે તેનો ઉપયોગ કરાઈ રહ્યો છે. સેવાકીય પ્રવૃતિ કે ગૃહ ઉદ્યોગ માટે ભાડે લેવામાં આવતા પ્લોટમાં સ્ટોલ બનાવીને સ્ટોર ધારકો પાસેથી તગડું ભાડું ઉઘરાવવામાં આવી રહ્યું છે. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, જ્યાં પણ આવા પ્લોટમાં હેતુભંગ થતો હશે તેની સામે પગલાં લેવામાં આવશે. તથા જ્યાં પણ વેપારી ધોરણે પ્રવૃતિ થશે હશે તેની સામે પગલાં લેવામાં આવશે. કોર્પોરેશને પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે.
પ્લોટ ભાડે આપ્યા બાદ તેનો શું ઉપયોગ થઈ રહ્યો છે તે જોવા માટે મનપાના એસ્ટેટ વિભાગ અધિકારીઓ ફરકતા પણ નથી. આ કૌભાંડ સામે આવ્યા બાદ નિકોલના પ્લોટમાં કોર્પોરેશને કોમર્શિયલ સ્ટોલને દૂર કરી કાર્યવાહી કરી છે. શહેરના અન્ય પ્લોટમાં પણ કોર્પોરેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જે પ્લોટ જે હેતુ માટે આપવામાં આવ્યો છે તે સિવાયની કામગીરી કે બિઝનેસ થતો હશે તો તેને તાકીદે બંધ કરવાવામાં આવશે .હેતુ ફેર કરી પ્લોટને કમાણી કરવાનું સાધન બનાવી દેવામાં આવ્યું છે.