પાટીલે ચોથીવાર આમંત્રણ આપ્યું અને મને લાગ્યું જવું જોઈએઃ અંબરિશ ડેર
અમદાવાદઃ આખરે કોંગ્રેસના મોટા નેતા અંબરિશ ડેર ભાજપમાં જોડાઈ ગયા છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હાથે તેમણે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. આ ઉપરાંત તેમની સાથે પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
ભાજપમાં જોડાઈ ગયા બાદ અંબરિશ ડેરે જણાવ્યુ હતુ કે, ‘મારા પિતાજી VHPમાં રહ્યા હતા અને બજરંગ દળના નેતા-કાર્યકર્તાઓ સાથે તેમણે કામ કર્યું હતું. સુરતના પ્લેગ વખતે પણ તેમણે કામ કર્યું હતું. મે 2003થી લઈને 2010 સુધી ભાજપ યુવા મોરચાના કાર્યકર તરીકે સોંપવામાં આવતા કાર્યક્રમો કર્યા હતા.
તેઓ વધુમાં જણાવે છે કે, ‘યુવા મોરચામાં મેં પણ કામ કર્યું છે. અસ્થાનિક લેવલે કેટલાક લોકો સાતે વિવાદ થતા ભાજપ છોડી દીધો હતો. ત્યારબાદ 2017માં કોંગ્રેસે ટિકિટ આપી અને ધારાસભ્ય બન્યો હતો ત્યારે પણ લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. પાટીલે જુદા-જુદા 3 જાહેર મંચ પરથી આમંત્રણ આપ્યું હતું પરંતુ લાગણીથી જોડાયેલા હતા. હવે ફરી આમંત્રણ મળ્યું અને અમને પણ લાગ્યું કે હવે જવું જોઈએ.’
તેઓ કોંગ્રેસ છોડવાના કારણ અંગે જણાવે છે કે, સૌથી મોટો મુદ્દો કે જે વર્ષોથી અટવાયેલો હતો, એવામાં રામ મંદિર મુદ્દે જે સ્ટેટમેન્ટ કોંગ્રેસ તરફથી આવ્યું તેનાથી દુ:ખ લાગ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો સાથે મારા ઘરના વડીલોને પણ દુ:ખ લાગ્યું હતું. હું કોંગ્રેસ કે કોઈ નેતા માટે ઘસાતું બોલવા માગતો નથી. કેમ કે આ માટે અમે રાજનીતિમાં આવ્યા નથી. ગઈકાલે સીઆર પાટીલ મારા નિવાસસ્થાને આવ્યા હતા અને ત્યારબાદ મેં રાજીનામું આપ્યું છે. ગઈકાલે રાજુલાના એક કાર્યક્રમમાં સી.આર પાટીલે સમય આપ્યો છે માટે આવતીકાલે મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાશે.