November 17, 2024

અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં પૂરની સ્થિતિનું થઈ શકે છે નિર્માણ

મલ્હાર વોરા, અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની સિઝન જામી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, આગામી અષાઢી બિજે રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે અને અમદાવાદ શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અષાઢી પાંચમે વીજળી થતાં ખેડૂતો માટે સારા સંકેત આવી શકે છે. ત્યાં જ આગામી 24 કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થશે. જોકે અમદાવાદ-ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે. બીજી તરફ 6 અને 7 તારીખમાં હવાના હળવા દબાણના કારણે 8 થી 14 જૂલાઈ વરસાદ થશે. તો કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: ઉપરવાસમાં સારા વરસાદને કારણે પોરબંદરનો મેઢા ક્રિક ડેમ ઓવરફ્લો

દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. ત્યાં જ 11 જુલાઈએ અષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે.

રાજ્યમાં પૂરની સ્થિતિ
આગામી 7 જૂલાઈ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે તો અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે. ત્યાં જ પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. 15 જૂલાઈ ડિપ ડિપ્રેશન બંગાળના ઉપસાગરમાં રચાશે અને 17 થી 19 જૂલાઈથી મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. 25 જૂલાઈ સુધી ભારે વરસાદ આવી શકે જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે.