November 13, 2024

ઉત્તર ભારતના શહેરોની હવા બની ‘ઝેર’, 12 જગ્યારે AQI 300 પાર

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં હવા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. શુક્રવારે હિમાચલથી હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સુધીના 12 સ્થળોએ સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 300થી ઉપર નોંધાયો હતો. દિલ્હીના 38 મોનિટરિંગ કેન્દ્રોમાંથી 18માં 400 કરતાં વધુ AQI છે, જે ગંભીર શ્રેણીમાં છે. એટલે કે દિલ્હીની હવામાં ભળેલું ઝેર લોકોને બીમાર કરવા માટે પૂરતું છે. પવનની ગતિ ઓછી હોવાને કારણે સવારે આકાશમાં ધુમ્મસનું ગાઢ પડ છવાઈ ગયું હતું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, સોમવાર સુધી હવાની ગુણવત્તામાં સુધારો થવાની કોઈ આશા નથી.

CPCBના ડેટા અનુસાર, બદ્દી, હિમાચલમાં AQI 327 હતો. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં AQI 25 પોઈન્ટ વધીને 380 થયો છે. જ્યારે, AQI ચંદીગઢમાં 310, ગુરુગ્રામમાં 302 અને ગાઝિયાબાદમાં 315 હતો. NCRમાં હરિયાણાનું બહાદુરગઢ સૌથી વધુ પ્રદૂષિત હતું, જ્યાં AQI 392 નોંધાયો હતો. AQI ફરીદાબાદમાં 257, નોઈડામાં 278 અને ગ્રેટર નોઈડામાં 288 નોંધાયો હતો. દિલ્હીમાં આનંદ વિહાર (414), બવાના (440) સહિત 18 સ્થળોએ AQI 400થી વધુ નોંધાયો હતો. ઝેરી હવાના કારણે લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ડિસિઝન સપોર્ટ સિસ્ટમ અનુસાર, શુક્રવારે હવામાં વાહનોના પ્રદૂષણનો હિસ્સો 11 ટકા હતો.

દેશના 72 ટકા શહેરોમાં પ્રદૂષણ ચિંતાજનક
દેશના માત્ર સાત ટકાથી વધુ શહેરોમાં હવાની ગુણવત્તા સારી છે. લગભગ 21 ટકા શહેરોમાં હવાની ગુણવત્તા સંતોષજનક છે, જ્યારે 72 ટકાથી વધુ શહેરોમાં તે ચિંતાજનક છે. CPCB અનુસાર, દેશના 47 શહેરોમાં હવાની ગુણવત્તા નબળી છે, જેમાં બાગપત, બુલંદશહર, ભીવાડી, ચંદીગઢ, ભિવાની, મેરઠ, પંચકુલા, સોનીપત અને અમૃતસરનો સમાવેશ થાય છે.