અમદાવાદ: વસ્ત્રાપુર ગામમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે પથ્થરમારો, એક મહિલાનું મોત
વસ્ત્રાપુર : અમદાવાદ શહેરના વસ્ત્રાપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હોવાની ઘટના સામે આવી છે. જેમા એક જ કોમના બે જૂથ આમને સામને આવી ગયા હતા. આ બાદ બન્ને વચ્ચે પથ્થમારો સર્જાયો હતો. જેને લઈને એક મહિલાનું મોત પણ નીપજ્યું છે. તેમજ અન્ય 4 ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે, મારામારી થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વસ્ત્રાપુરમાં મોડી રાત્રે પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક વૃદ્ધ લીરીબેન નામની મહિલાનું મોત નીપજ્યું હતું અન્ય ઘાયલ થયા હતા. મારામારીની ઘટના થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો અને પોલીસે 302,307 અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પરંતુ હાલ આરોપી ન પકડતા મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. તેમજ આરોપીઓની ધરપકડ કરવા મૃતકના પરિવારજનોએ માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને માથાકૂટ થઇ હતી. આ મામલે પોલીસે 7થી વધુ લોકો સામે 302,307 અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, અહીં આવેલા રાધે કૃષ્ણ મંદિરમાં દર પાંચ વર્ષે થતાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રણ નામ લખાવવા બાબતે મામલો બિચક્યો હતો. જેમાં બે પક્ષના 20થી વધુ માણસો આમને સામને આવી ગયા હતા અને બાદમાં પથ્થરમારો થયો હતો.