January 14, 2025

અમદાવાદ રેલવે સ્ટેશન પર બોગસ ઇ-ટિકિટ વેચતો એજન્ટ ઝડપાયો

મિહિર સોની, અમદાવાદઃ રેલવે સ્ટેશનમાં IRCTCના એજન્ટ બનીને મુસાફરોને બોગસ ઇ-ટિકિટ આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રેલવે પોલીસે એજન્ટની ધરપકડ કરી છે. આરોપીએ અનેક મુસાફરોને નકલી ટિકિટ બનાવીને ઠગાઈ આચરી હોવાની પોલીસે શક્યતા વ્યક્ત કરી છે.

રેલવે પોલીસની કસ્ટડીમાં જોવા મળતો આરોપી IRCTCનો નકલી એજન્ટ ઉપેન્દ્ર ત્રિવેદી છે. આરોપી મધ્યપ્રદેશનો રહેવાસી છે. આ આરોપીએ કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોને બોગસ ઇ-ટિકિટ બનાવીને છેતરપીંડી કરી છે. ઠગાઈ કેસની વાત કરીએ તો આરોપી ઉપેન્દ્ર ત્રિવેદી ઇન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (IRCTC)નો એજન્ટ હોવાનું કહીને રેલવે સ્ટેશન પર રિઝર્વેશનની લાઇનમાં ઉભેલા મુસાફરોનો સંપર્ક કરતો હતો. મુસાફરોને સ્પેશિયલ કોટામાંથી ટિકિટ કરાવવાની લાલચ આપીને છેતરપિંડી આચરતો હતો. કાલુપુર રેલવે સ્ટેશનમાં ગાંધીધામમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને આસામ જવાનું હોવાથી તે રિઝર્વેશન કાઉન્ટ પર ઉભો હતો ત્યારે આ એજન્ટએ વિદ્યાર્થીનો સંપર્ક કર્યો હતો. યુવકને નકલી ઇ-ટિકિટ આપી દીધી હતી. પરંતુ યુવકને શંકા જતા RPFનો સંપર્ક કરતા નકલી એજન્ટનો ભાંડો ફૂટી ગયો હતો અને રેલવે પોલીસે ઠગ એજન્ટ ઉપેન્દ્ર ત્રિવેદીની ધરપકડ કરી છે.

રેલવે પોલીસની તપાસમાં સામે આવ્યું કે, ઉપેન્દ્ર ત્રિવેદી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે. રેલવે સ્ટેશનમાં IRCTCના કર્મી તરીકે ઓળખ આપીને મુસાફરોને નકલી ઇ ટિકિટ આપીને ઠગાઈ આચરે છે. રેલવે પોલીસે વિદ્યાર્થી રંગાજીની ફરિયાદ બાદ CCTV કેમેરાના આધારે રેલવે પોલીસે ઉપેન્દ્ર દ્વિવેદી શોધીને ધરપકડ કરી છે. આરોપી રિઝર્વેશન કાઉન્ટર પાસે ફરિયાદીને PDF એલમેન્ટ નામની એપ થકી ટિકિટ આપી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે PDF એલમેન્ટ એપમાં એડિટ કરીને ટિકિટ પધરાવીને ઠગાઈ કરતો હતો. આરોપી IRCTCના એજન્ટ ન હોવા છતાં ટિકિટ આપવા બાબતે રેલવે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

રેલવેની ઓનલાઈન ઇ ટિકિટ કૌભાંડમાં રેલવે પોલીસે આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ આ પ્રકારે અનેક મુસાફરો પાસેથી પૈસા પડાવીને નકલી ટિકિટ આપીને ઠગાઈ આચરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આ આરોપી સાથે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને આરોપી કેટલા સમયથી નકલી ટિકિટ મુસાફરોને વેચતો હતો તે તમામ મુદ્દે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.