September 17, 2024

સુરતની ઘટના બાદ અમદાવાદ પોલીસ સતર્ક, ગણેશ પંડાલોમાં પેટ્રોલિંગ વધાર્યું

મિહિર સોની, અમદાવાદઃ સુરતમાં ગઈકાલની ઘટનાને પગલે અમદાવાદ પોલીસ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન શહેરની શાંતિ જળવાઈ રહે તે માટે તકેદારીના વિશેષ પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે.

પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજે શહેરની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ગણેશ પંડાલોની આસપાસ પેટ્રોલિંગ વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જ્યાં દર્શનર્થીઓની ભીડ વધુ હોય તેવા પંડાલવાળા વિસ્તારમાં મોડી રાત સુધી પેટ્રોલિંગ રાખવા સૂચના આપવામાં આવી છે.

ગણેશ વિસર્જન થાય ત્યાં સુધી વિવિધ વિસ્તારોમાં સુરક્ષાનાં વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે, કોઈ પણ જાતની અફવાઓ પર ધ્યાન આપવું નહીં. સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને જો કોઈ ખોટી અફવાઓ ફેલાવશે અથવા સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો પોલીસ દ્વારા કડક પગલાંની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.