માસાએ ભાણી પર અવારનવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી, ભાણીનો આપઘાત
મિહિર સોની, અમદાવાદઃ જિંદગી બનાવી આપવાની લાલચ આપીને ભાણીની જિંદગી બરબાદ કરનારા માસાની પોલીસે ધરપકડ કરી છે. માસાએ યુવતીને ફાર્મા કંપનીમાં કરિયર બનાવવાની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવીને ગર્ભવતી બનાવી છે. માસાના અન્ય યુવતીઓ સાથેના સંબધની જાણ થતાં યુવતીએ આપઘાત કર્યો છે.
પોલીસે આ મામલે લક્ષ્મણ નામના આરોપીની ધરપકડ કરી છે. દીકરી જેવી 22 વર્ષીય ભાણીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. માસાનો રંગીલો ચહેરો સામે આવતા યુવતીએ જીવનનો અંત આણી દીધો છે. મળતી માહિતી પ્રમાણે, વેજલપુર વિસ્તારમાં રહેતી એક યુવતીએ 13 જુલાઈએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેના મોબાઇલમાંથી માસા સાથેની ચેટિંગ મળી આવી છે. જેમાં સામે આવ્યું હતું કે, મૃતક યુવતીના માસાએ ફાર્મા કંપનીમાં નોકરી રાખી હતી. ત્યાં તેનું શોષણ કરતો હતો. એવું કહેતો હતો કે, તું મને ખુશ કર હું તારી લાઇફ બનાવી દઈશ તેમ કહીને પ્રેમસંબંધ બાંધી બળાત્કાર ગુજારતો હતો. ત્યારબાદ યુવતીને ગર્ભ રહી ગયો હતો અને આપઘાત કરી લીધો હતો. યુવતીના આપઘાતની તપાસમાં ખુલાસો થતા વેજલપુર પોલીસે હેવાન માસા સામે બળાત્કાર અને દુષ્પ્રેરણાના ગુનો નોંધી ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૂળ ગીર સોમનાથની 22 વર્ષીય યુવતી શહેરના વેજલપુર વિસ્તારમાં સાત વર્ષથી તેના ભાઇના ઘરે રહેતી હતી. આ યુવતી વર્ષ 2020માં ચાંગોદરમાં તેના માસાની ફાર્મા કંપનીમાં નોકરીએ લાગી હતી. યુવતીની સાથે તેની એક મિત્ર પણ નોકરી કરતી હતી. યુવતીએ નોકરી છોડ્યાના 12 દિવસ બાદ ભાઇના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. બહેનના આપઘાત બાદ ભાઇએ તપાસ કરતા તેની મિત્ર પાસેથી કેટલાક ચેટિંગના વીડિયો પુરાવારૂપે મળ્યા હતા. જેમાં સામે આવ્યું કે, મૃતક યુવતી તેના માસાની કંપનીમાં નોકરીએ લાગી તેના છ મહિના બાદથી તેના માસા અવારનવાર તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતા હતા અને આ દબાણથી આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. અવારનવાર તેનું શારીરિક શોષણ શરૂ કર્યું હતું અને તેને કારણે યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. ત્યારે માસાના અન્ય યુવતીઓ સાથેના સંબંધની જાણ થઈ હતી. આ નરાધમ સોશિયલ મીડિયા પર અન્ય યુવતીઓ સાથે ચેટીંગ કરીને પ્રેમજાળમાં ફસાવતો હતો. જેથી વેજલપુર પોલીસે 36 વર્ષીય આરોપીને જામનગરથી ઝડપીને વઘુ તપાસ શરૂ કરી.
પોલીસે આરોપીની ધરપકડ કરીને મોબાઇલ ફોન કબ્જે લીધો છે. આરોપીએ મૃતક ભાણીની ઉપરાંત તેની મિત્ર સાથે પણ સોશિયલ મીડિયામાં વાતચીત કરી હતી. ત્યારે આરોપીની ફાર્મા કંપનીમાં અન્ય કેટલી યુવતીને શિકાર બનાવાઇ છે તે બાબતે પોલીસે ફોન એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.