December 27, 2024

ખ્યાતિ હોસ્પિટલકાંડઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરાર પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા

અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં તમામ ફરાર પાંચ આરોપીઓ ઝડપાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ઇનપુટના આધારે ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલકાંડના આરોપીઓને ઝડપી પાડવા માટે આણંદ અને વડોદરા વચ્ચે આવેલા ફાર્મ હાઉસમાં રેડ પાડી હતી. આ ફાર્મ હાઉસમાંથી પાંચેય ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ મામલે સતત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાથે સંપર્કમાં હતા અને પળેપળની માહિતી મેળવતા હતા. ત્યારે ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ કાર્યવાહી હાથ ધરી હતી અને તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હર્ષ સંઘવી ઇચ્છતા હતા કે, ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ભોગ બનેલા તમામ દર્દીઓને ન્યાય મળે.

આરોપીઓનાં નામ

  • ચિરાગ રાજપૂત
  • મિલિન્દ પટેલ
  • રાહુલ જૈન
  • પ્રતિક ભટ્ટ
  • પંકિલ પટેલ

શું છે ખ્યાતિ હોસ્પિટલકાંડ?
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના ઓપરેશનમાં વધુ એક ખુલાસો થયો છે. 17 દર્દીઓમાંથી 12 લોકોને કોઈપણ પ્રકારનું બ્લોકેજ નહોતું. 12 દર્દીઓને એન્જિઓગ્રાફીની જરૂર ન હોવા છતાં ઓપરેશન કરી નાંખવામાં આવ્યા હતા. બ્લોકેજ ન હોવા છતાં દર્દીઓને ઓપરેશન માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. એક દર્દીને ખરેખર ઓપરેશનની જરૂર હતી પરંતુ દસ્તાવેજના અભાવે PMJAY યોજનાનું એપ્રુવલ મળે તેમ નહોતું. PMJAY યોજનાનું એપ્રુવલ નહીં હોવાથી તેનામાં નોર્મલ લખી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો હતો.