December 23, 2024

અમદાવાદના જય ભોલે ગ્રુપની અનોખી ભક્તિ, માતાજીને અત્તર-શ્રીયંત્રની સ્તુતિ ગુજરાતી ભાષામાં અર્પણ કરી

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ ભાદરવી પૂનમ મહામેળામાં છઠ્ઠા દિવસે જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન હસ્તે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા રચિત શ્રી યંત્રની સ્તુતિ અને આઠ પ્રકારના દ્રવ્યોથી નિર્મિત ગંધાષ્ટકમ માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું. ચાચર ચોકમાં સેંકડો માઈભક્તોની ઉપસ્થિતિમાં માતાજીને સ્તુતિ અને અત્તર અર્પણ કરાતાં સમગ્ર ચાચર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો.

શ્રી યંત્રની સ્તુતિના વિમોચન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરે જય ભોલે ગ્રુપ અમદાવાદની જગદંબા પ્રત્યેની અનન્ય આસ્થાને બિરદાવી હતી. તેમણે આ સ્તુતિથી કરોડો માઇભક્તોની શ્રદ્ધા વધારે મજબૂત બનશે. સરળ સાદી ગુજરાતી ભાષામાં લખાયેલી આ સ્તુતિ ભાવિક શ્રદ્ધાળુઓની આસ્થાને નવી ઊર્જા પૂરી પાડશે.

કોઈપણ શ્રી યંત્ર માટે ગુજરાતી ભાષામાં લખાયેલી આ પ્રથમ સ્તુતિ છે. આદ્યશકિત જેમાં વાસ કરે છે એવા શ્રી યંત્રની સ્તુતિથી શકિતપીઠ અંબાજી ખાતે શકિત, શ્રી યંત્ર અને સ્તુતિનો ત્રિવેણી સંગમ રચાયો છે. જે અંબાજી શકિતપીઠની આધ્યાત્મિક આસ્થાને સાંકળતી મજબૂત કડી બનશે.