September 28, 2024

અમદાવાદમાં ગરબા આયોજકોએ લીધો 40થી લઈને 3 કરોડ રૂપિયાનો વીમો

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ નવરાત્રિના પર્વને થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાજકોટમાં બનેલી આગની ઘટના બાદ આયોજકો 40 લાખથી લઇને 3 કરોડના ઇન્સયોરન્સ લઈ રહ્યા છે. આ સાથે ફાયર સહિતની સુવિધાઓ પણ પાર્ટીપ્લોટ્સમાં કરવામાં આવી રહી છે.

રાજકોટમાં બનેલી આગની ઘટના બાદ તંત્ર સજાગ બન્યું છે અને કોઇપણ પ્રકારનું રિસ્ક લેવા સરકાર માગતી નથી. તેને જ કારણે તમામ આયોજકો માટે ફાયર સેફ્ટીનું એનઓસી લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ખેલૈયાઓ શાંતિપૂર્ણ વાતાવરણ અને સુરક્ષિત ગરબા રમી શકે તે માટે ઇન્સયોરન્સ પણ લઈ રહ્યા છે. ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં આયોજક અજયરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, ‘ખેલૈયાઓની સુરક્ષા અમારા માટે સર્વોપરી છે અને તેને જ કારણે છેલ્લા છ વર્ષથી કોઇપણ પ્રકારના વિધ્ન વગર તેઓ ગરબાનું આયોજન કરી શક્યા છે. આ વર્ષે પણ ગરબા માટે 3 કરોડ રૂપિયાનો વીમો ઉતરાવ્યો છે. ગરબામાં કોઇપણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા માટે ઇન્સયોરન્સ ખૂબ જ જરૂરી છે.’

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે પણ તેઓ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. મેડિકલ ડોમ પણ દર વર્ષની જેમ આ વખતે પણ રાખવામા આવ્યો છે. જેથી કોઇને પણ જરૂરી હોય તો તાત્કાલિક સારવાર આપી શકાય. ખેલૈયાઓને પણે તેમણે સલાહ આપી છે કે ગરબામાં સ્ટોલથી લઇને ડેકોરેશન કાપડથી કરવામાં આવતું હોય છે. ત્યારે લોકો કોઇપણ પ્રકારની ફ્લેમેબલ ચીજવસ્તુ પોતાની સાથે લાવવી ન જોઇએ.

ઉલ્લેખનીય છે કે, ગરબાને લઇને ફાયર વિભાગ દ્વારા સખત ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં 22 મુદ્દાઓને સમાવી લેવામાં આવ્યાં છે. જો કોઇપણ એક નિયમનું પણ પાલન નહીં થતું હોય તો ફાયર વિભાગ ગરબા બંધ કરાવી શકે છે.