ટિકિટ પાછી આપ્યા બાદ રોહન ગુપ્તાની પ્રતિક્રિયા – મારા પિતાની ઇચ્છા નહોતી
અમદાવાદઃ કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યુ છે કે, ‘મારા પિતાની તબિયત નાદુરસ્ત છે અને તેઓ ICUમાં છે. કાલે અચાનક તબિયત બગડી ગઈ હતી. ત્યારે બપોર બાદ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. મારા પર અનેક આક્ષેપ થયા છે, પણ હું કંઈ જ નથી બોલ્યો. આ ટિકિટ પાર્ટીના આદેશથી સ્વીકારી હતી. ત્યારે પિતાની તબિયત ખરાબ હતી છતાં મેં લડવાનો નિર્ણય કર્યો હતો.’
તેઓ આગળ જણાવે છે કે, ‘પિતા તરીકે એમને મારી ચિંતા હતી. હિંમતસિંહ જોડે સભામાં હતો ત્યારે ફોન આવ્યો હતો. પિતાની તબિયતના સમચાર મળ્યા છે. મારા પિતાના આદેશથી હું ઉમેદવારી પરત ખેંચી રહ્યો છું. મેં પ્રયાસ કર્યો પણ મારા પિતાની ઈચ્છા નહોતી કે, હું ચુંટણી લડું. મારા પિતાને કંઈ પણ થાય તો આખી જિંદગી મને અફસોસ રહેતો. મારા પિતાને અનુભવ છે. અનુભવને કારણે એમને મને ચૂંટણી લડવા ના પાડી હતી.’
રાજીનામા અંગે કહે છે કે, ‘મારા પિતાએ શા માટે રાજીનામું આપ્યું તે મને નથી ખબર. મને લાગે છે તબિયતને કારણે તેમણે રાજીનામું આપ્યું હશે. કહેવાતા એક નેતા મને મેસેજ કરે છે ગદ્દારીના. હું ચૂપ છું એટલે એમ ન માનવું કે કઈ બોલીશ નહીં, પાર્ટી છોડી જવાની કોઈ શક્યતા જ નથી. હિમ્મતસિંહ પર વિશ્વાસ નથી તેવી કોઈ વાત જ નથી એ મારી સાથે હતા.’