ચાણક્યપુરીમાં અસામાજિક તત્વોના આતંક મામલે ત્રણ આરોપીની ધરપકડ
અમદાવાદઃ શહેરના ચાણક્ય પુરીમાં અસામાજિક ત્તત્વોના આતંક મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે. આ ઘટનાની તપાસ સોલા પોલીસ પાસેથી પરત લઈ લેવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
સોસાયટીમાં જે મકાન ભાડે આપવામાં આવ્યું હતું તેની પણ તપાસ કરવામાં આવશે. જો મકાન માલિકે મકાન ભાડે આપ્યું હશે અને તેની જાણ પોલીસને ન કરી હોય તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
ગઈકાલે સાંજે 7.25થી 8.25 વાગ્યા સુધીમાં બનાવ બન્યો હતો. સોસાયટીમાં 205 નંબરનો ફ્લેટ પંકજ પટેલનો છે. અજાણ્યા લોકોને જોઈને ચેરમેને પૂછપરછ કરી હતી અને ત્યારબાદ ઝઘડો થયો હતો. આ ભાડે રહેલા ફલેટમાંથી 12 બોટલ દારૂની મળી આવી છે. દારૂનો કેસ અલગથી નોંધવામાં આવ્યો છે.
દારૂ પીધેલી હાલતમાં આવેલા કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હત્યાનો પ્રયાસ, રાયોટિંગ સહિતની અલગ અલગ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે પણ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કંટ્રોલ રૂમમાં 8.08, 8.16 અને 8.20 વાગ્યે એમ ત્રણ ફોન આવ્યા હતા. પોલીસને જાણ થતાં 8.22 મિનિટ પોલીસ પહોંચી હતી.
મુખ્ય આરોપી રવિ પટેલ પર અગાઉ ત્રણ પ્રોહિબિશનની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ફલેટ દરરોજના 700 રૂપિયા લેખે ભાડે આપવામાં આવ્યો હતો. પંકજ પટેલ નામના વ્યક્તિએ અર્જુનને ભાડેથી મકાન અપાવ્યું હતું. કુલ 15 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. અલગ અલગ ત્રણ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પ્રોહિબિશન, હત્યાનો પ્રયાસ અને દારૂ પીધેલી હાલતમાં આવ્યા હોવાના કેસ કરવામાં આવ્યા છે.