November 24, 2024

300 CCTV ચેક કર્યા, ટોલટેક્સે નાકાબંધી કરી, સ્કેચ બનાવ્યો પછી આરોપી પંજાબ બાજુ જતો હોવાની માહિતી મળીઃ JCP

અમદાવાદઃ બોપલ વિદ્યાર્થી હત્યાકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે આ મામલે માહિતી આપતા જણાવ્યુ છે કે, ‘બે વિદ્યાર્થી બુલેટમાં જઈ રહ્યા હતા. ત્યારે એક કાળા રંગની કારવાળા વ્યક્તિ જોડે બંનેને રકઝક થઈ હતી. ત્યારબાદ કારચાલકે પીછો કર્યો હતો અને બુલેટવાળા વિદ્યાર્થીને છરીના ઘા મારી હત્યા કરી હતી. ’

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘આ મામલે તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે અમદાવાદ ગ્રામ્ય અને ક્રાઇમ બ્રાન્ચે 300થી વધુ સીસીટીવી ચેક કર્યા તમામ ટોલટેક્સ નાકા ચેક કર્યા હતા. તે દરમિયાન માહિતી મળી કે કાળા રંગની કાર ફરી રહી છે. ત્યારબાદ સ્કેચ બનાવવામાં આવ્યો હતો. હ્યુમન અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સની મદદથી માહિતી મળી કે આરોપી પંજાબ બાજુ ઇનોવા કાર લઈને ગયો છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગ્રામ્ય પોલીસ પંજાબ પહોંચી હતી. પંજાબના સઘરુટથી આરોપની ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી.’

તેઓ કહે છે કે, ‘પંજાબમાં સઘરુટમાં મિત્રના ઘરે આરોપી રોકાયો હતો. રસ્તામાં તેણે હથિયાર ફેંકી દીધું હતું. હવે સીસીટીવીને ફરીથી તપાસ કરીને વધુ માહિતી આપવામાં આવશે. રિમાન્ડ મળ્યા પછી વિગતવાર તપાસ કરવામાં આવશે.’