November 14, 2024

અમદાવાદમાં દુકાનદારોને લૂંટતી બોગસ ગ્રાહક સુરક્ષાની ગેંગ ઝડપાઈ

મિહિર સોલંકી, અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં નકલી ગ્રાહક સુરક્ષાના અધિકારીઓ બનીને લોકો પાસે પૈસા લૂંટતી ટુકડી પકડાઈ હતી. તારીખ 20 રોજ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી નવતાડ સમોસાની દુકાનમાં બપોરના સમયે અર્ટિગા ગાડી આવી હતી અને તેમાં બે મહિલા અને ચાર પુરુષો બેઠેલ હતા. તેમાંથી બે મહિલા અને એક પુરુષે નવતાડ સમોસાની દુકાનમાં આવી ગાંધીનગર ગ્રાહક સુરક્ષામાંથી આવ્યા છે તેવું જણાવ્યું હતું.

વાતચીત કર્યા બાદ તેમણે દુકાનની તપાસ કરતા દુકાનમાં બધું જ બરાબર છે, પરંતુ બહારના ભાગમાં મુકેલા ટેબલ ખોટી રીતે મુકેલા છે તેવું જણાવીને સો રૂપિયા દંડની માગણી કરી હતી. સો રૂપિયાની માગણી કરતા ફરિયાદીને તેમના પર શંકા ઉપજી હતી. ત્યારબાદ ફરિયાદીએ આજુબાજુના તમામ દુકાનદારોને બોલાવ્યા હતા. બીજા દુકાનદારોએ ત્યાં આવીને તેમની પાસે તેમના આઇકાર્ડ માંગ્યા ત્યારે આ ટુકડીએ ગાંધીનગર ગ્રાહક સુરક્ષામાંથી આવે છે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો: સુરતમાં 5 કરોડની લૂંટના આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા

દુકાનદારોએ ગ્રાહક સુરક્ષા અધિકારીઓ માત્ર દુકાનની તપાસ કરે પરંતુ દંડ વસૂલતા નથી તેવી ખાતરી કરી હતી. તેમને જાણવા મળ્યું હતું કે, તમામ માણસો ગ્રાહક સુરક્ષા અમદાવાદ નામનું ગ્રુપ બનાવીને લોકોને ખોટો દંડ કરીને લૂંટતા હતા. ત્યારબાદ દુકાનદારોએ મળીને આ ટુકડીને નરોડા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ત્યાં તેમને ટુકડી ગ્રાહક સુરક્ષાનું આઈકાર્ડ બતાવીને ખોટા દંડ કરીને લોકોને લૂંટે છે તેવું જાણવા મળ્યું હતું અને તેમના ઉપર ફરિયાદ નોંધવામા આવી હતી.