November 27, 2024

POKમાં હિંસા બાદ પાકિસ્તાન સરકાર ઘૂંટણિયે, 23 અરબનું ફંડ કર્યુ જાહેર

અમદાવાદ: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વધતી જતી મોંઘવારી અંગે લોકોમાં ગુસ્સો ચરમસીમાએ છે. ત્યાંના હિંસક દેખાવોએ પાકિસ્તાન સરકારને ઘૂંટણિયે લાવી દીધી છે. શેહબાઝ શરીફ સરકારે પીઓકે માટે તાત્કાલિક અસરથી 23 અબજ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. સ્થાનિક સરકારે વીજળીના દર અને બ્રેડના ભાવમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પીઓકેમાં હાલમાં પણ સ્થિતિ તંગ છે. શુક્રવારથી આ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. સોમવારે સતત ચોથા દિવસે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે. જેમાં બે વિરોધીઓ અને એક એસઆઈનો સમાવેશ થાય છે. રવિવારે થયેલી અથડામણમાં 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

મહત્વનું છે કે, છેલ્લા ચાર દિવસથી PoKમાં સામાજિક કાર્યકરો, વેપારીઓ અને વકીલો દ્વારા રચાયેલી સંયુક્ત અવામી એક્શન કમિટીએ આવશ્યક ચીજવસ્તુઓની વધતી કિંમતો અને ટેક્સમાં વધારા સામે રાજધાની મુઝફ્ફરાબાદ સુધી કૂચનું આહ્વાન કર્યું છે. સોમવારે પણ લાખો વિરોધીઓએ મુઝફ્ફરાબાદ તરફ તેમની લોંગ માર્ચ ચાલુ રાખી હતી. કૂચને રોકવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો, જેના કારણે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. રવિવારે ભીડમાંથી કોઈએ પોલીસ એસઆઈ અદનાન કુરેશીની ગોળી મારીને હત્યા કરી હતી. આ અથડામણમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં મોટાભાગના પોલીસકર્મીઓ હતા. અત્યાર સુધીમાં બે વિરોધીઓના પણ મોત થયા છે.

પાકિસ્તાન સરકારે 23 અબજ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું
ભીમ્બરથી શરૂ થયેલો દેખાવકારોનો કાફલો સોમવારે દિરકોટથી મુઝફ્ફરાબાદમાં પ્રવેશ્યો હતો. આ પ્રદર્શનકારીઓ મુઝફ્ફરાબાદમાં વિધાનસભાનો ઘેરાવ કરશે. પીઓકેમાં ચોથા દિવસે પણ ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ રહી હતી. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ પ્રદર્શનકારીઓને શાંત કરવા સક્રિય બન્યા છે. શાહબાઝે સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સોમવારે વિરોધીઓ અને સ્થાનિક સરકાર સાથેની વાતચીત બાદ તેમણે પીઓકે માટે તાત્કાલિક અસરથી રૂ. 23 અબજનું બજેટ મંજૂર કર્યું હતું.

PoKમાં વીજળીથી લઈને બ્રેડના ભાવમાં ઘટાડો
શાહબાઝ શરીફ સાથેની બેઠક પૂરી થયા પછી તરત જ પીઓકેના વડા પ્રધાન હકે વીજળીના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી. હકે કહ્યું, સ્થાનિક રહેવાસીઓ છેલ્લા કેટલાક દિવસોથી સસ્તી વીજળી અને લોટ પર સબસિડીની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોઈ સુલભ વીજળી અને સસ્તા લોટની જરૂરિયાતને અવગણી શકે નહીં. તેમણે બ્રેડના ભાવમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: ખેડૂતોએ ભેજ સૂકવવા ડાંગર પાથર્યું ને અચાનક વરસાદ આવ્યો, બધો પાક બરબાદ થતા લાચાર

રાષ્ટ્રપતિએ લોકોને સંયમ રાખવા અપીલ કરી હતી
તણાવને શાંત કરવા માટે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ તમામ લોકોને સંયમ રાખવા અને વાતચીત અને પરસ્પર પરામર્શ દ્વારા મુદ્દાઓને ઉકેલવા વિનંતી કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજકીય પક્ષો, રાજ્ય સંસ્થાઓ અને પ્રદેશના લોકોએ જવાબદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ. જેથી દુશ્મનો તેમના પોતાના ફાયદા માટે પરિસ્થિતિનો લાભ ન ​​લઈ શકે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેઓ વર્તમાન પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે વડાપ્રધાન શરીફ સાથે વાતચીત કરશે. રાષ્ટ્રપતિએ વર્તમાન પરિસ્થિતિ પર ખેદ વ્યક્ત કર્યો અને પોલીસ અધિકારીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. અથડામણમાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.

હિંસક વિરોધને કારણે શાળાઓ અને બજારો બંધ છે
શનિવારે હિંસક પ્રદર્શનકારીઓએ પૂંચ-કોટલી રોડ પર મેજિસ્ટ્રેટની કાર સહિત અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં બજારો, વેપાર કેન્દ્રો, ઓફિસો, શાળાઓ અને રેસ્ટોરાં બંધ રહ્યા હતા. હિંસા બાદ પોલીસે પણ પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરી હતી અને મુઝફ્ફરાબાદમાં ડઝનબંધ લોકોની ધરપકડ કરી હતી. એક દિવસ અગાઉ સરકારે પ્રદેશના વિવિધ ભાગોમાં મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી હતી. ડોનના અહેવાલ મુજબ, 9 અને 10 મેના રોજ, પોલીસે લોંગ માર્ચને રોકવા માટે લગભગ 70 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી. વિરોધને જોતા સોમવારે સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી હતી.