December 22, 2024

સદગુરુની મગજની સર્જરી બાદ PM મોદીએ તબિયત પૂછી

Jaggi Vasudev’s Health Condition: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવની દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક મગજની સર્જરી કરવામાં આવી હતી. 17 માર્ચે કરવામાં આવેલી સર્જરીનો હેતુ માથામાં થતા રક્તસ્રાવને દૂર કરવાનો હતો. સદગુરુને સર્જરી બાદ સફળતાપૂર્વક વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા હતા. અને ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના નિવેદન મુજબ, તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તેમના મગજની કામગીરી અને શારીરિક સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે.

આજે પીએમ નરેન્દ્ર મોદીએ પણ સદગુરુ જગ્ગી વાસુદેવ સાથે વાત કરી અને તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘સદગુરુ જી સાથે વાત કરી અને તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.’

સદગુરુએ તેમના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેમના હોસ્પિટલના પલંગ પરથી એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તેણે મજાકમાં કહ્યું કે અપોલો હોસ્પિટલના ન્યુરોસર્જન ડોકટરોએ મારું માથું ખોલીને કંઈક શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ કંઈ શોધી શક્યા નહીં. માથું સંપૂર્ણપણે ખાલી હતું, તેથી તેઓએ તેને ફરીથી સીવ્યું. હવે હું ઠીક છું.

કેમ સર્જરી કરવામાં આવી?
ઈશા ફાઉન્ડેશનના અધિકારીઓએ જણાવ્યું કે સદગુરુ છેલ્લા 3-4 અઠવાડિયાથી માથાના દુખાવાની ફરિયાદ કરી રહ્યા હતા, તેમ છતાં તે સતત કામ કરી રહ્યાં હતા. 14 માર્ચે તેમણે દિલ્હીની એપોલો હોસ્પિટલના ન્યુરોસર્જનની સલાહ લીધી, ત્યારબાદ એમઆરઆઈમાં જાણવા મળ્યું કે તેના માથાના એક ભાગમાં લોહી જમા થઈ રહ્યું છે અને સોજો પણ છે. તેમ છતાં તેમણે કેટલીક મહત્વપૂર્ણ બેઠકો કરવાનું ચાલુ રાખ્યું. 17 માર્ચે તેમનો દુખાવો ઘણો વધી ગયો હતો, ત્યારબાદ તેમને એપોલો દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એક વરિષ્ઠ ડૉક્ટરે બુધવારે જણાવ્યું કે, આધ્યાત્મિક નેતા સદગુરુ જગ્ગી વાસુદેવના માથામાં ‘જીવન જોખમી’ રક્તસ્રાવને પગલે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં મગજની સર્જરી કરવામાં આવી હતી અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે, ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, માથાંમાં સક્તસ્ત્રાવ દૂર કરવા માટે 17 માર્ચે સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ સદગુરુને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા હતા. તબીબોએ કહ્યું છે કે તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે.