November 19, 2024

શ્રીલંકા બાદ વિદેશ મંત્રી જયશંકર પહોંચ્યા UAE, કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?

UAE: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શ્રીલંકા બાદ રવિવારે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત લીધી હતી. UAEની તેમની મુલાકાત દરમિયાન તેમણે તેમના સમકક્ષ અબ્દુલ્લા બિન જાયદ અલ નાહયાન સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. જયશંકરે UAE ના વિદેશ મંત્રી અલ નાહયાન સાથે ભારત અને UAE વચ્ચે સતત વધી રહેલા વ્યૂહાત્મક સંબંધો અંગે ચર્ચા કરી. આ સાથે તેમણે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.

UAEની તેમની મુલાકાત દરમિયાન, જયશંકરે અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની પણ મુલાકાત લીધી હતી. BAPSના અધિકારીઓને મળ્યા. મંદિરના દર્શન કર્યા બાદ તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આજે મને અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું. ભારત-UAE મિત્રતાનું દૃશ્યમાન પ્રતીક આ મંદિર વિશ્વને સકારાત્મક સંદેશ આપે છે. આ બંને દેશો વચ્ચેનો સાંસ્કૃતિક બ્રિજ છે. વડાપ્રધાન મોદીએ આ વર્ષે 14 ફેબ્રુઆરીએ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. BAPS એ UAE દ્વારા દાનમાં આપેલી જમીન પર મંદિર બનાવ્યું છે.

આ પછી તેમણે UAEમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું અને તેમાં ભાગ લીધો. આ કાર્યક્રમ અબુ ધાબી મ્યુઝિયમ સંકુલમાં યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધા બાદ તેમણે વિદેશ મંત્રી અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. મીટિંગ પછી જયશંકરે કહ્યું કે અમે સતત વધતી જતી વ્યૂહાત્મક ભાગીદારી પર અર્થપૂર્ણ અને ઊંડાણપૂર્વક વાતચીત કરી. આ ઉપરાંત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: કુવૈતમાં અટકાયત કરાયેલો એક યુવાન માદરે વતન પહોંચ્યો, કહ્યુ – સાત દિવસ જેલમાં રહ્યો

ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના સંબંધો વર્ષોથી સુધર્યા છે. બંને દેશોએ આર્થિક ભાગીદારી વધારવા માટે ફેબ્રુઆરી 2022માં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર હસ્તાક્ષર કર્યા હતા. 2022-23માં સીધા વિદેશી રોકાણના સંદર્ભમાં UAE ભારતમાં ટોચના ચાર રોકાણકારોમાં હતું. UAEમાં ભારતીયોની વસ્તી લગભગ 35 લાખ છે.

શ્રીલંકા પ્રવાસ પર MRCCનું ઉદ્ઘાટન
શ્રીલંકાની તેમની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે ભારતની મદદથી તૈયાર કરાયેલ મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પણ તેમની સાથે હતા. જેનું ઉદ્ઘાટન બંનેના હસ્તે સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. ભારતના આદર્શ ગ્રામ આવાસ પ્રોજેક્ટ હેઠળ બાંધવામાં આવેલા 48 મકાનોને સોંપ્યા. ભારતીય હાઉસિંગ પ્રોજેક્ટના ત્રીજા તબક્કા હેઠળ 106 મકાનો સોંપવામાં આવ્યા. જયશંકરની મુલાકાત રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ભારત મુલાકાત પછી તરત જ થઈ હતી. રાનિલ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ભારત આવ્યા હતા.