January 24, 2025

અમદાવાદમાં અવિરત વરસાદ બાદ 3 અંડર પાસ બંધ, 30 જેટલા વૃક્ષો ધરાશાયી

Ahmedabad Rain Update: અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં મોડી રાત્રે પડેલા વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાયા છે. જન્માષ્ટમીના દિવસે જ વરસાદ યથાવત રહેતા રજાના દિવસે પણ અમદાવાદીઓને ઘરમાં રહેવાનો વારો આવ્યો છે. શહેરના નારણપુરા વિસ્તાર, સ્વામિ નારાયણ સર્કલ નજીક પાણી ભરાયા છે. જે બાદ AMCના કર્મચારીઓ કેચપીટના ઢાંકણ ખોલી પાણી કાઢી રહ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોની સ્થિતિ તો એવી છે કે, વરસાદ બંધ થયાના 2 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી.

અમદાવાદમાં 30 જેટલા વૃક્ષો ધરાશાયી થયા
અમદાવાદમાં મોડી રાતના વરસાદ બાદ અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શહેરમાં મોડી રાતના વરસાદ બાદ 30 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. મેઘાણીનગર વિસ્તારમાં વૃક્ષ રોડ પર પડતાં માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યાં જ વાસણા બેરેજ રોડ પર 2 વૃક્ષ ધરાશાયી થતા લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધરણીધર દેરાસર પાછળ આર.સી પટેલ શાળા પાસે પણ 1 વૃક્ષ ધરાશયી થયું છે. તો વાસણા બસ સ્ટેન્ડની પાછળ વૃક્ષ ધરાશાયી થયું છે.

શહેરના 3 અંડર પાસ બંધ
અમદાવાદમાં મોડી રાત્રે પડેલા વરસાદ બાદ શહેરના 3 અંડર પાસ બંધ કરી દેવાયા છે. જેમાં મીઠાખળી, અખબારનગર અને પરિમલ અંડરપાસ બંધ કરાયા છે. મીઠાખળી અંડર પાસમાં પાણી ઓસરતા સફાઈ શરૂ કરી દેવામાં આવી છે. AMC દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આજે વહેલી સવારે 3.55 કલાકે પહેલા મીઠાખળી અંડર પાસ બંધ કરાયો હતો.

અમદાવાદમાં ખાનગી બસ ચાલકો બેફામ
શહેરમાં વરસાદ પડી રહ્યો છે અને ત્રણ અંડર પાસ બંધ કરી દેવામા આવ્યા છે છતા ખાનગી બસ ચાલકો બેફામ બની ગાડીઓ હંકારી રહ્યા છે અને મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. રિમલ અંડરપાસમાં ખાનગી બસે પ્રવેશ કર્યો હતો. સિક્યુરિટી દ્વારા મનાઈ કરવા છતાં ખાનગી બસના ડ્રાઈવરે બસને અંડર પાસમાં પ્રવેશ કરાવ્યો હતો. જે બાદ પોલીસે બસ ડ્રાઈવર વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.