January 21, 2025

CM કેજરીવાલ બાદ હવે જેલમાં સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી, CBI તપાસને મંજૂરી

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા નથી, ત્યારે હવે આમ આદમી પાર્ટીના મંત્રી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ CBI તપાસને મંજૂરી આપવામાં આવી છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા આમ આદમી પાર્ટી પર પૂરી રીતે સકંજો કસતો જાય છે. કેન્દ્ર સરકારે છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર પાસેથી 10 કરોડ રૂપિયાની કથિત ઉચાપતના કેસમાં CBI તપાસને મંજૂરી આપી છે.

સત્યેન્દ્ર જૈન (ફાઇલ ફોટો)

નોંધનીય છે કે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ પછી ગૃહ મંત્રાલયે આજે તેને લીલી ઝંડી આપી દીધી છે. આ પહેલા 9 ફેબ્રુઆરીએ ઉપરાજ્યપાલે તિહાર જેલના પૂર્વ ડીજી સંદીપ ગોયલ અને તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટ રાજ કુમાર વિરુદ્ધ સીબીઆઈ તપાસને પણ મંજૂરી આપી હતી.

ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને પોતાની જાળમાં ફસાવનાર સુકેશે તિહાર જેલમાં પ્રોટેક્શન મની તરીકે સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા આપવાનો દાવો કર્યો હતો. કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર સુકેશે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે જેલમાં સત્યેન્દ્ર જૈનની પોતાની સરકાર ચાલે છે.