November 17, 2024

અદાણી ગ્રૂપના કર્મચારીએ IAS અધિકારીને મીઠાઈના બોક્સમાં લાંચ આપવાનો પ્રયાસ કરતા ધરપકડ

Adani Group: અદાણી ગ્રૂપની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની અંબુજા સિમેન્ટના વરિષ્ઠ એક્ઝિક્યુટિવની બુધવારે ઓડિશામાં IAS અધિકારીને લાંચ આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. વિજિલન્સ ટીમના અધિકારીઓના જણાવ્યા અનુસાર બુધવારે એક વ્યક્તિ બારગઢ જિલ્લા કલેક્ટર આદિત્ય ગોયલની ઓફિસે પહોંચ્યો હતો. આ દરમિયાન તેમણે ઓફિસરને ફૂલોનો ગુલદસ્તો અને મીઠાઈનું પેકેટ આપ્યું.

અધિકારીના જણાવ્યા અનુસાર, પેકેટ પર શંકા જતા, કલેક્ટરે તેના પટાવાળાને પેકેટ ખોલવાની સૂચના આપી હતી. પેકેટમાંથી રૂ.500ની નોટના ચાર બંડલ મળી આવ્યા હતા. આ પછી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને આ અંગે વિજિલન્સ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

અધિકારીએ કહ્યું, ‘આ પછી વિજિલન્સ ટીમ ત્યાં પહોંચી અને 2 લાખ રૂપિયાની રોકડ સાથેનું પેકેટ જપ્ત કર્યું. વ્યક્તિની ઓળખ છત્તીસગઢના અંબુજા સિમેન્ટના મુખ્ય બાંધકામ અધિકારી (પૂર્વ) રામભવ ગટ્ટુ તરીકે કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે આરોપીઓ સામે લોકસેવકને ઉશ્કેરવાનો પ્રયાસ કરવા બદલ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સુધારો અધિનિયમ, 2018 ની કલમ 8/9/10 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, 2022માં અદાણી ગ્રૂપે હોલસીમ ગ્રૂપ પાસેથી અંબુજા સિમેન્ટનું અધિગ્રહણ કર્યું હતું. ત્યારથી અદાણી તેની માલિકી ધરાવે છે.