September 8, 2024

બાળ તસ્કરી અને બાળકો પાસે ભીક્ષાવૃત્તિ સામે કાર્યવાહી, 15 બાળકોને રેસ્ક્યૂ કરાયા

મિહિર સોની, અમદાવાદ: બાળ તસ્કરી અને બળજબરી પૂર્વક બાળકો પાસે ભીખ મંગાવવાનું નેટવર્ક ચાલતું હોવાની માહિતીને આધારે ગત્ત સાંજના સમયે ક્રાઇમ બ્રાન્ચ, AHTU અને મહિલા પોલીસની જુદી જુદી 5 ટીમોએ અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી જાહેર રસ્તાઓ પર ભીખ માંગતા કુલ 15 બાળકોનું રેસ્ક્યુ કરી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને બેગીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય રાજ્યોમાંથી સગીર બાળકોને અમદાવાદમાં લાવી ટ્રાફિક જંકશન કે પછી એવાજ જાહેર રસ્તાઓ પર ઉભા રાખી બાળકો પાસે ભિક્ષાવૃત્તિ તથા મજબુર બાળકોનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ કરવો કે દેહવ્યાપાર કરાવતી ટોળકીઓને સપ્લાય કરવા જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોવાની બાતમીને આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP દ્વારા AHTU, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને મહિલા પોલીસની જુદી જુદી ટિમો બનાવી બાળ તસ્કરીના નેટવર્કને ભેદ ઉકેલવા આદેશ આપ્યો હતો.

ગુરુવારે આજ રીતે AHTU, ક્રાઇમ બ્રાન્ચ અને મહિલા પોલીસની જુદી જુદી 5 ટીમોએ પકવાન ચાર રસ્તા, શિવરંજની ચાર રસ્તા, પાલડી ચાર રસ્તા સહિતના શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટીમો ગોઠવી ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલ કુલ 15 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાં 9 કિશોરીઓ અને 6 કિશોરનો સમાવેશ થાય છે. આ તમામના માતાપિતા તથા વાલીઓ વિરુદ્ધ જુદા જુદા 9 ગુના દાખલ કરી તમામ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. રેસ્ક્યુ કરાયેલ તમામ 15 બાળકોનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. અગાઉ પણ આજ રીતે 18 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચને જે માહિતી મળી હતી તે પ્રકારની કોઈ ગેંગ કે એજન્ટો અને પ્રવૃત્તિ થતી હોવાનું તો માલુમ પડ્યું નથી. પરંતુ, બાળ તસ્કરી અને કમિશન ઉપર ભીખ મંગાવવાના નેટવર્કનો ભેદ ઉકેલવા આગામી 6 માસ સુધી આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. બાળકો પાસે ભીખ મંગાવવાના નેટવર્કને સંપૂર્ણ ધ્વસ્ત કરવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અભિયાન ચાલુ રાખવાની સાથે આવા રેસ્ક્યુ કરાયેલ બાળકોના શિક્ષણ અને પુનર્વસનની ચિંતા પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. અત્યાર સુધી મુક્ત કરાયેલ બાળકોને શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગોઠવવામાં આવી રહી છે.